અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરાતા ડોલર નબળો પડતા વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ફેડરલ રિઝર્વેએ 2023 સુધી વ્યાજ દર લગભગ શૂન્ય રાખવાના સંકેત આપ્યા છે. તેમાં ડોલર ઇન્ડેક્સ 0.5 ટકા ઘટીને 91.405 પર પહોંચી ગયો. તેનાથી સોનાની માગ વધી અને તેની કિંમતમાં ઉછાળો આવ્યો છે. 


ગ્લોબલ ટ્રેન્ડથી ઘરેલુ બજારમાં કિંમત વધી


આ ગ્લોબલ ટ્રેન્ડની અસર ઘરેલુ બજારમાં પણ જોવા મળી છે. જેના કારણે ઘરેલુ બજારમાં સોનું 0.74 ટકા એટલે કે 330 રૂપિયા વધીને 45170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી ફ્યૂચર 1.19 ટકા એટલે કે 802 રૂપિયા વધીને 68029 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. અમદાવાદમાં ગુરુવારે સોનું હાજરમાં 44736 રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહી હતી જ્યારે સોનું ફ્યૂચર 45140 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. બુધારે દિલ્હી માર્કેટમાં સોનું 60 રૂપિયા વધીને 44519 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું અને ચાંદી 200 રૂપિયા ઘટીને 66536 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. 


ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં ઉછાળો


ભારતમાં એમસીએક્સ ગોલ્ડમાં એપ્રિલ ફ્યૂચરમાં 44800 પર સપોર્ટ છે જ્યારે 45600 રૂપિયા પ્રતિકારક સપાટી છે. વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું 0.5 ટકા વધીને 1752.41 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું જ્યારે યૂએસ ગોલ્ડ ફ્યૂચર 1.3 ટકા વધીને 1748.80 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. સિલ્વર 0.7 ટકા વધીને 26.51 ડોલર પર પહોંચી ગયું. ગોલ્ડને લઈને રોકાણકારો હાલમાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. પરંતુ અમેરિકન ફેડ રિઝર્વની બેઠક બાદ ગ્લોબલ માર્કેટમાં તેમાં તેજી જોવા મળી રહી છે. આમ તો ભારતીય બજારમાં સોનાની ચાલ ઉપરની તરફ જ જોવા મળી રહી છે. 


ભારતમાં હાલના દિવસોમાં સોનાની માગ વધી છે. આવનારા દિવસોમાં તેમાં હજુ પણ ઉછાળો જોવા મળી શકે છે. દેશમાં લગ્નની સીઝન ખાસ કરીને પૂર્વ ભારતમાં લગ્નની સૂઝન શરૂ થવાથી માગમાં ઉછાળો જોવા મળી શકે છે. ચાંદીની કિંમત પણ વધી શકે છે.