અમેરિકન બોન્ડના યીલ્ડમાં સામાન્ય ઉછાળો અને મજબૂત અમેરિકન ડોલરથી સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક બજારમાં શુક્રવારે સોનું ઘટીને 1725.50 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું જ્યારે આ પહેલાના દિવસે તે 1721.46 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું તું, જે સપ્તાહની સૌથી નીચી સપાટી હતી. વિતેલા એક સપ્તાહ માં સોનામાં 1 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો કારણ કે ડોલરમાં સતત મજબૂતી જોવા મળી રહી હતી.


એમસીએક્સમાં સોના અને ચાંદીમાં ઘટાડો


જ્યારે ઘરેલુ માર્કેટમાં એમસીએક્સમાં ગોલ્ડ ફ્યૂચર શુક્રવારે 0.23 ટકા ઘટીને 44590 પર પહોંચી ગયું. જ્યારે ચાંદી ઘટીને 64840 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. આ પહેલાના દિવસે સોનું 0.35 ટકા ઘટ્યું હતું અને ચાંદી 0.5 ટકા ઘટી હતી. આ મહિનાની શરૂઆતમાં સોનું 44150 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું હતુ, જે આ વર્ષની નીચલી સપાટી હતી. ઓગસ્ટ 2020માં સોનું 56200 રૂપિયાની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. ત્યારથી તેમાં 11500 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.


દિલ્હી માર્કેટમાં પણ સોનું થયું સસ્તું


ગુરુવારે દિલ્હીમાં સોનું 44 રૂપિયાની તેજી સાથે 44347 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. વિતેલા સેશનમાં 44303 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. જોકે ચાંદી 637 રૂપિયા ઘટાડા સાથે 64110 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. વિતેલા કારોબારી સત્રમાં ચાંદી 64747 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.


વૈશ્વિક બજારમાં ફરી ચમકશે સોનું ?


વૈશ્વિક માર્કેટમાં અમેરિકન બોન્ડના યીલ્ડમાં ઉછાળો આવતા અને ડોલરમાં મજબૂતીને કારણે સોના અને ચાંદીમાં કિંમત ઘટી છે. ભારતીય માર્કેટ પર તેની અસર પડી છે. ઉપરાંત ગોલ્ડ પર ડ્યૂટી ઘટવાથી પણ તે સસ્તું થયું છે. જોકે વર્લ્ડ માર્કેટમાં કિંમતમાં સામાન્ય ઉછાળો જોઈ શકાય છે. યૂરોપ અને કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉનને કારણે સુરક્ષિત રોકાણ તરીકે રોકાણકારો ગોલ્ડન મહત્ત્વ આપી રહ્યા છે.