નવી દિલ્હીઃ કેન્સર પીડિત મરીજો માટે રાહતના સમાચાર છે. કેન્સરની 42 નોન શેડ્યૂલ્ડ દવાઓને પ્રાઈસ કન્ટ્રોલ અંતર્ગત લાવવામાં આવી છે. સરકારે તેના માટે ટ્રેડ માર્જિન 30 ટકા સુધી મર્યાદિત કર્યું છે, ત્યાર બાદ આ દવા 85 ટકા સુધી સસ્તી થઈ જશે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સે તેના માટે એક નોટિફિકેશન જારી કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)એ જનહીતમાં ડ્રગ્સ (પ્રાઈસ કન્ટ્રોલ) ઓર્ડર, 2013ના પેરા 19 અંતર્ગત કેન્સરની સારવારમાં કામમાં આવતી 42 નોન શેડ્યૂલ્ડ દવાઓ સામેલ કરી છે.
નિર્ણય લેવાયા પ્રમાણે શેડ્યૂલ્ડ ડ્રગની કેટેગરીમાં આવતી દવાઓ પર 16થી 17 ટકા માર્જિન લેવાની મર્યાદા જ્યારે નોન શેડ્યૂલ્ડ ડ્રગના ભાવમાં વર્ષે 10 ટકાથી વધુનો વધારો ન કરવા દેવાનો પણ નિર્ણય લેવાયો છે. ટ્રેડ માર્જિનને સમતોલ કરવાનાં ઇરાદે ટ્રેડ માર્જિન નક્કી કરવા માટે સંધુ કમિટિની રચના કરવામાં આવી છે. તેમના અહેવાલમાં પણ જણાવવામાં આવ્યું હતું કે રિટેઈલરને 1800 ટકા જેટલા ઊંચા માર્જિન આપવામાં આવી રહ્યા છે. મેન્યુફેક્ચરર્સ તેમની રિટેઈલ કિંમતમાં 30 ટકાથી વધુ માર્જિન રાખી શકશે નહિ.
નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન (એનએલઈએમ)ની કેટેગરીમાં આવતી દવાના ભાવ નિયંત્રણ હેઠળ અત્યાર સુધીમાં કેન્સરની 355 બ્રાન્ડ 72 ફોર્મ્યુલેશન્સને આવરી લેવામાં આવ્યા છે. કેન્સરની દવાનું ઉત્પાદન કરનારાઓને સાત દિવસમાં તેમણે ઉત્પાદન કરેલી દવાના ભાવના ગણિતો માંડી દઈને એનપીપીએ-નેશનલ ફાર્માસ્યૂટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટીને તેની જાણ કરી દેવાની સૂચના આપી છે. એનપીપીએએ અત્યાર સુધીમાં 1000 દવાઓના ભાવને નિયંત્રણ હેઠળ મૂકી દીધા છે.