નવી દિલ્હીઃ જો તમે ભારતીય સ્ટેટ બેંક, HDFC બેંક, કોટક મહિન્દ્રા અથવા IDBI બેંકના ગ્રાહક છો, તો તમારા માટે સારા સમાચાર છે. આ તમામ બેંકોએ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. SBIએ પસંદગીની ટર્મ ડિપોઝિટના વ્યાજ દરોમાં 20 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે, જ્યારે IDBI બેન્કે ટર્મ ડિપોઝિટના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.


નોંધનીય છે કે તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. ત્યારથી, ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ અને ગ્રાહક લોનના દરમાં વધારો કર્યો છે. SBIએ 15 જૂનથી અમલમાં આવતા રૂ. 2 કરોડથી ઓછી મુદતની થાપણો માટે વ્યાજ દરમાં 0.20 ટકાનો વધારો કર્યો છે. બેંકે રૂ. 2 કરોડથી ઉપરની પસંદગીની સ્થાનિક બલ્ક ટર્મ ડિપોઝીટના વ્યાજ દરમાં પણ 75 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકે MCLRમાં પણ 0.20 ટકાનો વધારો કર્યો છે.


IDBI બેંકે રિટેલ ટર્મ ડિપોઝિટના વ્યાજ દરમાં વધારો કર્યો છે


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત IDBI બેંકે પણ રૂ. 2 કરોડથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝીટ પર વ્યાજ દરમાં 0.25 ટકા સુધીનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 15 જૂનથી લાગુ થઈ ગયા છે. IDBI બેંકે 91 દિવસથી છ મહિનાની મુદતની રિટેલ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરીને ચાર ટકા કર્યો છે. અગાઉ આ બેંક વાર્ષિક 3.75 ટકાના દરે વ્યાજ આપતી હતી. ત્રણ વર્ષથી પાંચ વર્ષથી ઓછા સમયગાળામાં પાકતી FD પર, બેંક 5.60 ટકાના દરે વ્યાજ ચૂકવશે, જ્યારે અગાઉ બેંક 5.50 ટકાના દરે વ્યાજ ચૂકવતી હતી. ગ્રાહકને હવે પાંચ વર્ષથી સાત વર્ષની રિટેલ ટર્મ ડિપોઝિટ પર 5.75 ટકા વ્યાજ મળશે.


HDFC અને કોટક મહિન્દ્રા પણ પાછળ નથી


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને IDBIની જેમ HDFC બેંકે પણ ફિક્સ ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દરોની જાહેરાત કરી છે. HDFC બેંક હવે તેના ગ્રાહકોને 33 મહિનામાં પાકતી ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.75 ટકા અને 99 મહિનાની મુદતવાળી FD પર 7.05 ટકા વ્યાજ ઓફર કરશે. એ જ રીતે કોટક મહિન્દ્રા બેંકે પણ 50 લાખ રૂપિયાથી વધુની રકમ ધરાવતા બચત ખાતા પરના વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કર્યો છે. હવે કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકો, જેમનું બચત ખાતું 50 લાખ રૂપિયાથી વધુ છે, તેમને 4 ટકાના દરે વ્યાજ મળશે.