ન્યૂયોર્કઃ જાતીય શોષણના આરોપમાં ગૂગલે છેલ્લા બે વર્ષમાં 48 કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢ્યા છે. જેમાં 13 કંપનીના સિનિયર અધિકારીઓ હતા. નોકરીમાંથી હાંકી કાઢવામાં આવેલા એક પણ અધિકારીને એક્ટિઝ પેકેજ આપવામાં આવ્યું નથી. આ જાણકારી ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ આપી હતી.

સુંદર પિચાઇએ પોતાના કર્મચારીઓને મોકલેલા ઇ-મેઇલમાં જણાવ્યું હતું કે, જાતીય શોષણ મામલે કંપની કડક એક્શન લેશે. એક રિપોર્ટ અનુસાર, એન્ડ્રોઇડના શોધક એન્ડી રૂબિનને 90 કરોડ ડોલરનું એક્ઝિટ પેકેજ આપીને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે જ્યારે તેમના પર જાતીય શોષણના આરોપ લાગી ચૂક્યા હતા. જ્યારે જાતીય શોષણ મામલે હાંકી કાઢવામાં આવેલા અન્ય લોકોને એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યું નથી. પિચાઇએ તેનો જવાબ આપતા કહ્યું કે, એન્ડી રૂબિન પર છપાયેલા રિપોર્ટને સમજવા મુશ્કેલ છે. પરંતુ ગૂગલના વર્કપ્લેસ પર સારો માહોલ બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. પિચાઇએ દાવો કર્યો કે હાંકી કાઢવામાં આવેલા એક પણ કર્મચારીને એક્ઝિટ પેકેજ આપવામાં આવ્યું નથી. નાનામાં નાની જાતીય શોષણની ફરિયાદ પર એક્શન લેવા ગૂગલ પ્રતિબદ્ધ છે. નોંધનીય છે કે એક મહિલાએ આરોપ લગાવ્યો હતો કે રૂબિને તેમને 2013માં હોટલના રૂમમાં બોલાવી હતી.

એન્ડી રૂબિનને એન્ડ્રોઇડના શોધક માનવામાં આવે છે. 85 ટકા સ્માર્ટફોનમાં આ ઓપરેટિંગ સિસ્ટમ છે. રૂબિને 2014માં કંપની છોડી દીધી હતી. રૂબિનના પ્રવક્તાએ જાતીય શોષણના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું કે, રૂબિને પોતાના મનથી કંપની છોડી હતી.