નવી દિલ્હીઃ એબીપી ન્યૂઝને પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના એન્ટીગુઆ પાસપોર્ટની કોપી મળી છે. જેનાથી ફરી વખત સાબિત થાય છે કે તેણે એન્ટીગુઆની નાગરિકતા લીધી છે. પાસપોર્ટ નંબર AB00713 છે અને પાસપોર્ટ પણ એન્ટીગુઆનો છે. પાસપોર્ટ 16 નવેમ્બરથી 15 નવેમ્બર 2022 સુધી માન્ય છે. એન્ટીગુઆની નાગરિકતાં મળતાં જ ચોકસીએ ત્યાંનો પાસપોર્ટ લઈ લીધો હતો.


પાસપોર્ટમાં મેહુલ ચોકસીનું નામ મેહુલ ચોકસી જ છે. નામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીઆઈએ આજે વિદેશ મંત્રાલયને જણાવ્યું કે, રેડ કોર્નર નોટિસ વગર પણ ચોકસીનું પ્રત્યાર્પણ શક્ય છે. તેથી એન્ટીગુઆ સરકારને પત્ર લખીને  ચોકસીની ધરપકડ કરવાનું કહ્યું છે, પરંતુ મેહુલ ચોકસીએ પણ અલગ દાવ ખેલ્યો છે.

ચોકસીએ એન્ટીગુઓમાં ખુદ પર લાગેલા આરોપો રાજકારણથી પ્રેરિત હોવાનું જણાવ્યું છે. ભારતીય જેલોની સ્થિતિ ખરાબ જણાવી છે. જેલોમાં માનવાધિકારના ઉલ્લંઘનનો પણ હવાલો આપ્યો છે. તેમાં ભારતમાં લિંચિંગની આશંકા વ્યક્ત કરી છે. આ પાસપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે એન્ટીગુઆમાં જ છે અને મજાની જિંદગી જીવી રહ્યો છે.

મેહુલ ચોકસી 13,400 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં આરોપી છે. નીરવ મોદીનો તે મામા છે. દેશ છોડતાં પહેલાં મેહુલ ચોકસી એન્ટીગુઆની નાગરિકતા લઇ ચુક્યો હતો. 28 જુલાઈના એન્ટીગુઆ સરકારના પત્ર બાદ તે અહીં હોવાની પુષ્ટિ થઈ હતી. ભારત સરકારની એન્ટીગુઆ સાથે પ્રત્યાર્પણ સંધિ નથી.