કેન્દ્રએ શનિવારે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદતી વખતે ગ્રાહકોને વોરન્ટી સમયગાળા વિશે સ્પષ્ટપણે જાણ કરવી જોઈએ. તેમજ કંપનીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે ભારતમાં શ્રેષ્ઠ વૈશ્વિક પ્રથાઓ અનુસરવામાં આવશે.


સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ શનિવારે ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથેની મીટિંગમાં જણાવ્યું હતું કે એવું ન હોવું જોઈએ કે પ્રોડક્ટ ખરીદ્યા પછી ગ્રાહકોને વોરન્ટી વિગતો વિશે ખબર પડે. CCPA ચીફ કમિશનર નિધિ ખરેએ જણાવ્યું હતું કે વોરન્ટી અવધિ સંબંધિત ગ્રાહકોની ફરિયાદોને સક્રિય અને ઝડપી રીતે ઉકેલવી જોઈએ.


માહિતી મેળવવાનો અધિકાર


CCPA મુજબ, ગ્રાહકોના અધિકારોમાં માલ, ઉત્પાદનો અથવા સેવાઓની ગુણવત્તા, જથ્થા, ક્ષમતા, શુદ્ધતા, ધોરણ અને કિંમત સંબંધિત માહિતી મેળવવાનો અધિકાર સામેલ છે, જેથી ગ્રાહકને અન્યાયી વેપાર પ્રથાઓથી સુરક્ષિત કરી શકાય. આ બેઠકમાં એલજી, પેનાસોનિક, હાયર, ક્રોમા અને બોશ સહિતની મોટી ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.


વોરન્ટી તપાસવી જરૂરી છે


કોઈપણ નવું ઉપકરણ ખરીદતી વખતે વોરન્ટી સારી રીતે તપાસવાની જવાબદારી ગ્રાહકોની છે. કારણ કે ઘણી કંપનીઓ વોરન્ટીના મામલે ગ્રાહકો સાથે ગેમ રમે છે. તેથી તમારે નવી વસ્તુ ખરીદતી વખતે વોરન્ટી કાર્ડ તપાસવું આવશ્યક છે. ઘણીવાર એવું બને છે કે ગ્રાહકો નવી પ્રોડક્ટ ખરીદતી વખતે વોરન્ટીને વધારે મહત્વ આપતા નથી. જેના કારણે તેમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.  


નોંધનીય છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે 53મી GST કાઉન્સિલની બેઠક બાદ કહ્યું કે ભારતીય રેલવેની ઘણી સેવાઓને GSTના દાયરામાં બહાર કાઢવામાં આવી છે. હવે પ્લેટફોર્મ ટિકિટ પર GST લાગુ નહીં થાય. આ સાથે સ્ટીલ અને એલ્યુમિનિયમથી બનેલા સોલાર કૂકર અને દૂધના ડબ્બા પર 12 ટકા GST લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પેપર અને પેપર બોર્ડથી બનેલા કાર્ટન પર 12 ટકા GST લાદવાની પણ ભલામણ કરવામાં આવી છે.