નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ માટે ફરજિયાત રીતે હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની ડેડલાઈન એક પખવાડિયા વધારીને 15 જૂન સુધી કરી દીધી છે. ઉપભોક્તા મામલાના મંત્રી પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં આ નિર્ણય કરાવમાં આવ્યો છે.


નોંધનીય છે કે, નવેમ્બર 2019માં સરાકરે ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર ‘હોલમાર્કિંગ’ 15 જાન્યુઆરી, 2021 સુધીમાં ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જોકે જ્વેલર્સે મહામારીનું કારણ આપીને સમયમર્યાદા વધારવાની માગ કરી હતી જેના કારણે તેને આગળ વધારીને 1 જૂન કરવામાં આવી હતી. ગોલ્ડ હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને હાલમાં તે ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક છે.


સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે સંબંધિત પક્ષો સાથે તેને અમલમાં લાવવા અને તેની સાથે જોડાયેલમ મુદ્દાના સમાધાન માટે વધારે સમય આપવાની માગને સ્વીકારી લીધી છે.” નિવેદન અનુસાર ગોલ્ડ જ્વેલરી પર હોલમાર્કિંગ વ્યવસ્થા 15 જૂનથી લાગુ થશે. આ પહેલા તે 1 જૂન, 2021થી લાગુ થવાની હતી.


સરકારે 15 જૂનથી જ્વેલરી વેચવાની નવી સિસ્ટમના અમલ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ હોલમાર્કિંગને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ સમિતિના બીઆઈએસના ડાયરેક્ટર પ્રમોદ તિવારી અધ્યક્ષ હશે. ઉપરાંત ઉપભોક્તા મામલાના વિભાગના એડિશનલ સેક્રેટરી નિધિ ખરે ને જ્વેલર્સ એસોસિએશન, વેપાર અને હોલમાર્કિંગ એકમનો પ્રતિનિધિ પણ તેમાં સામેલ હશે.


આ અવસર પર મંત્રીએ કહ્યું કે, “સોનાના આભૂષણોમાં ભારતની પાસે વિશ્વના શ્રેષ્ઠ માપદંડ હોવા જોઈએ.” તેમણે કહ્યું કે, સોનાના આભૂષણને લઈને વિશ્વાસ તથા ગ્રાહકોનો સંતોષ વધારવા માટે શુદ્ધતા ને ગુણવત્તાને લઈને ત્રીજા પક્ષના આશ્વાસનના માધ્યમથી જ્વેલરી-કલાકૃતિનું હોલમાર્કિંગ જરૂરી છે.


હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે.


હોલમાર્કિંગમાં બીઆઈએસની સીલની માહિતી હશે. કેરેટના ઝવેરાત બનવાનું વર્ષ, ઝવેરીનું નામ પણ નોંધવામાં આવશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડાયેલી છે. હોલમાર્કિંગથી સોનાના બજારમાં પારદર્શિતા પણ વધશે.