નવી દિલ્હીઃ દેશભરમાં બેન્ક સંબંધિત ફ્રોડ અને ફિશિંગ ઈમેલના કેસ સતત વધી રહ્યા છે. આ વધતા કેસને જોતા સરકારે બેંક ગ્રાહકો માટે એક એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં કસ્ટમર્સ શંકાસ્પદ ઇમેલ્સથી ખુદને બચાવી શકશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પોતાના સાઈબર સેફ્ટી અને સાઈબર સિક્યોરિટી અવેરનેસ ટ્વિટર હેન્ડલ દ્વારા ગ્રાહકોને બેન્કિંગ માટે બે ઈમેલ એકાઉન્ટના ઉપયોગની સલાહ આપી છે. ટ્વીમાં સલાહ આપવામાં આવી છે કે, એક એકાઉન્ટનો ઉપયોગ બેન્કિંગ કોમ્યુનિકેશન્સ માટે કરવો જ્યારે બીજીનો નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે કરવો.

બેન્કિંગ ફ્રોડ કરનારા ઓથેન્ટિક એકાઉન્ટ દ્વારા ગ્રાહકને પોતાના જાળમાં ફસાવે છે અને બેન્કિંગ, ક્રેડિટ કાર્ડની વિગતો મેળવે છે. માટે સરકારની આ એડવાઈઝરી બેન્કિંગ ગ્રાહકો માટે ઉપયોગી છે. એડવાઈઝરીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, નાણાંકીય ટ્રાન્ઝેક્શન માટે ઉપયોગમાં લેનાર એકાઉન્ટને કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સાર્વજનિક ન કરવું જોઈએ. સાથે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ રજિસ્ટ્રેશન માટે પણ આ એકાઉન્ટો ઉપયોગ ન કરવો જોઈએ.


મંત્રાલયે ટ્વીટમાં જુદા જુદા વેબ બ્રાઉઝર્સમાં ઓટોફિલ ઓપ્શનમાં મહત્ત્વપૂર્ણ જાણકારી જેમ કે સીવીવી, એક્સપાઈરી ડેટ, કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર વગેરેનો ઉપયોગ સાવચેતી સાથે કરવા માટે કહ્યું છે. આ પહેલા પણ સાઇબર દોસ્ત હેન્ડલથી બેન્કિંગ કસ્ટમર્સ માચે ચેતવણી આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, હેકર્સ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને મિત્રો અને પરિવારજનો પાસેથી આર્થિક મદદ માગી શકે છે.