નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે લોકડાઉન દરમિયાન હોમ લોન સહિતની લોનના વ્યાજમાં માફી આપવા અંગેના મુદ્દે  કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતીને 7 દિવસમાં સોગંદનામું રજૂ કરીને વ્યાજ માફી અંગે સ્પષ્ટતા કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે મોદી સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે, લોન વ્યાજ માફીનો નિર્ણય લેવાની સરકાર પાસે સત્તા છે ત્યારે સરકાર રીઝર્વ બેંકની આડમાં બહાનાં બનાવે એ યોગ્ય નથી.


કોરોનાના કારણે લાદવા પડેલા લોકડાઉનના કારણે રીઝર્વ બેંકે માર્ચમાં લોકોને મોરેટોરિયમ એટલે કે લોનના માસિક હપ્તા ત્રણ  મહિના માટે ટાળવાની સુવિધા આપી હતી. ત્યાર પછી તેને વધુ 3 મહિના માટે વધારીને 31 ઓગસ્ટ સુધી યોજના લંબાવી દેવાઈ હતી. રીઝર્વ બેંકે કહ્યું હતું કે લોનના હપ્તા 6 મહિના સુધી નહીં ભરો, તો તેને ડિફોલ્ટ ગણવામાં નહીં આવે પણ મોરેટોરિયમના બાકીના પેમેન્ટ પર વ્યાજ આપવું પડશે.

 વ્યાજની શરતને ઘણા ગ્રાહકોએ સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમની દલીલ છે કે મોરેટોરિયમમાં વ્યાજ પર છૂટ મળવી જોઈએ, કારણ કે વ્યાજ પર વ્યાજની વસૂલાત કરવી એ ખોટું છે. એક પિટીશનરના વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે બુધવારે સુનાવણીમાં ણ માંગ કરી છે કે જ્યાં સુધી વ્યાજ માફીની અરજી અંગે કોઈ નિર્ણય ન લેવામાં આવે, ત્યાં સુધી મોરેટોરિયમ પીરિયડ વધારી દેવો જોઈએ.

આ મુદ્દે કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, સરકાર, RBI સાથે કો-ઓર્ડિનેશન કરી રહી છે અને તમામ સમસ્યાઓનો એકસરખો ઉકેલ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે અકળાઈને કહ્યું હતું કે, લોકોની મુશ્કેલીની ચિંતા છોડી તમે તમારા બિઝનેસ વિશે જ વિચારો એ ના ચાલે. સરકાર RBIના નિર્ણયની પાછળ સંતાઈ રહી છે, જ્યારે તેની પાસે જાતે નિર્ણય લેવાનો અધિકાર છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સરકાર બેન્કોને વ્યાજની વસુલાત માટે અટકાવી શકે છે. આ કેસમાં આગામી સુનાવણી 1  સપ્ટેમ્બરે કરવામાં આવશે.

આ કેસમાં છેલ્લી સુનાવણીમાં પણ કોર્ટે કહ્યું હતું કે, સરકાર આ મામલા બેન્કો અને કસ્ટમર વચ્ચેનો મામલો ગણાવીને હાથ ખંખેરી ના શકે. બેન્કો હજારો કરોડ રૂપિયા NPAમાં નાંખી દે છે, પણ થોડા મહિના મટે ટાળવામાં આવેલા હપ્તા પર વ્યાજ વસુલવા માંગે છે.