Rozgar Mela: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. આ યુવાનોને અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવામાં આવી છે. નવી દિલ્હીના રાયસીના રોડ પર સ્થિત નેશનલ મીડિયા સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયેલા હતા.


મંગળવારે આયોજિત રોજગાર મેળા અંતર્ગત દેશના અનેક ક્ષેત્રોના યુવાનોને 51 હજાર જોઇનિંગ લેટર આપવામાં આવ્યા હતા. 46 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની ભરતી ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ ભરતી કરવામાં આવી છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુવાનોએ સખત મહેનત કરીને આ સફળતા મેળવી છે અને આ સફળતાનું ઘણું મહત્વ છે. તેમણે કહ્યું કે આ વખતે નવનિયુક્ત ઉમેદવારોમાં મહિલાઓ વધુ છે, જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા પણ ઝડપથી વધી રહી છે અને યુવાનો માટે ઘણી મોટી તકો આવશે.


યુવાનોને કયા વિભાગમાં નોકરી મળી?


સરકારી નોકરીઓ અપાતા 51 હજારથી વધુ યુવાનોને અને અનેક વિભાગોના નવનિયુક્ત લોકોને જોઇનીંગ લેટર આપવામાં આવ્યા છે. પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઉર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય અને અન્ય વિભાગોમાં નવા નિયુક્ત કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે.






તમારી જાતને તાલીમ આપવાની તક


iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ, કર્મયોગી દ્વારા નવા નિયુક્ત સરકારી કર્મચારીઓને પણ પોતાને તાલીમ આપવાની તક મળી રહી છે, જ્યાં 'ક્યાંય, કોઈપણ ઉપકરણ' શીખવા માટે 680 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.


6 લાખથી વધુ લોકોને એપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે


28 ઓગસ્ટ સુધી આઠ રોજગાર મેળાઓ હેઠળ 5.5 લાખથી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની તારીખે એટલે કે 26મી સપ્ટેમ્બર સુધીમાં 6 લાખથી વધુ યુવાનોને જોઇનિંગ લેટર આપવામાં આવ્યા છે. આ નવમો રોજગાર મેળો હતો.