કેન્દ્ર સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ ઘણી યોજનાઓ ચલાવી રહી છે. દરેક વર્ગને લાભ આપવા માટે આ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. નાની બચત યોજનામાં રોકાણ માટેના નિયમો અને વ્યાજ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. હાલમાં નાની બચત યોજના હેઠળ નવ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાં રિકરિંગ ડિપોઝિટ (RD), PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), મહિલા સન્માન બચત યોજના પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ અને સીનિયર સીટિજન સેવિંગ સ્કીમનો સમાવેશ થાય છે.


તાજેતરમાં સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને અન્ય નાની બચત યોજનાઓના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. જો તમે પણ આ યોજનાઓમાં રોકાણ કર્યું છે અથવા તેમ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારે આ યોજનાઓના બદલાયેલા નિયમો પર ધ્યાન આપવું જોઈએ.


સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં શું બદલાવ આવ્યો?


જો કોઈ વ્યક્તિ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પૈસા રોકવા માંગે છે તો આ બદલાયેલ નિયમ તેના માટે ખૂબ જ ખાસ છે. રાહત આપતાં સરકારે ખાતા ખોલાવવાની મુદત વધારી દીધી છે. 9 નવેમ્બરના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, તમે નિવૃત્તિના ત્રણ મહિનાની અંદર આ યોજના હેઠળ ખાતું ખોલાવી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો જે નિવૃત્તિ પર લાભ આપે છે. અગાઉ આ સમય માત્ર 1 મહિના માટે આપવામાં આવતો હતો. સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ હેઠળ વ્યાજ દરની ગણતરી મેચ્યોરિટી ડેટ અથવા વધેલી મેચ્યોરિટી ડેટના આધાર પર નક્કી કરવામાં આવશે.


PPF ના નિયમો બદલ્યા


PPF સ્કીમ હેઠળ જો કોઈ વ્યક્તિ સમય પહેલા ખાતું બંધ કરવા માંગે છે, તો તેના નિયમો બદલાઈ ગયા છે. નોટિફિકેશન મુજબ, આ ફેરફાર પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (સુધારા) સ્કીમ 2023 હેઠળ કરવામાં આવ્યો છે. તે ખાસ કરીને નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝીટ સ્કીમ હેઠળ સમય પહેલા ઉપાડ સાથે સંબંધિત માળખું તૈયાર કરે છે.


પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ


પીટીઆઈના અહેવાલ મુજબ, નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિએ પાંચ વર્ષની યોજનામાં રોકાણ કર્યું છે અને તે સમય કરતા અગાઉ 4 વર્ષની અંદર એકાઉન્ટ વિડ્રોલ કરી લે છો તો વ્યાજના પૈસા પોસ્ટ ઓફિસના બચત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ પાંચ વર્ષ માટે ડિપોઝિટમાં પૈસા રોકે છે અને ચાર વર્ષમાં તેનું ખાતું બંધ કરી દે છે તો વ્યાજની ગણતરી ત્રણ વર્ષની ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટના આધારે કરવામાં આવશે.