CS Setty: દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને તેના નવા ચેરમેન મળ્યા છે. સરકારે મંગળવારે દિનેશ ખારાના અનુગામી તરીકે ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી(Challa Sreenivasulu Setty)ની પસંદગી કરી હતી. તેમનો કાર્યકાળ 28 ઓગસ્ટથી ત્રણ વર્ષનો રહેશે. દિનેશ ખારાનો કાર્યકાળ 28મી ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, કેન્દ્ર સરકારની સંસ્થા સર્વિસિસ ઇન્સ્ટીટ્યૂશન બ્યૂરો (FSIB) એ 30 જૂને સીએસ શેટ્ટીના નામને મંજૂરી આપી હતી. સરકારે એસબીઆઈના ચેરમેન પદ માટે અશ્વિની તિવારી (Ashwini Tiwari) અને વિનય તોનસેના (Vinay Tonse) નામ પર પણ વિચાર કર્યો હતો. જો કે સરકારે આ જવાબદારી માટે સીએસ શેટ્ટીની પસંદગી કરી છે. તેઓ હાલમાં SBIના MD પદની જવાબદારી નિભાવી રહ્યા છે. અશ્વિની તિવારી અને વિનય તોનસે પણ એમડીની પોસ્ટ પર છે. આ બંન્નેને અધ્યક્ષ પદ માટે ઇન્ટરવ્યૂ માટે પણ બોલાવવામાં આવ્યા હતા.
શેટ્ટી 35 વર્ષથી SBIમાં છે, 2020માં MD બન્યા
મંગળવારે એક નિવેદન જાહેર કરીને એફએસઆઈબીએ કહ્યું કે અનુભવો અને કુશળતાના આધારે બ્યૂરોએ સીએસ શેટ્ટીને સ્ટેટ બેન્કના ચેરમેન પદ પર નિયુક્ત કરવાની ભલામણ કરી છે. સીએસ શેટ્ટી લગભગ 35 વર્ષથી SBIમાં કામ કરી રહ્યા છે. તેમણે ઇન્ટરનેશનલ બેન્કિંગ, ગ્લોબલ માર્કેટ્સ અને ટેક્નોલોજી હેડની જવાબદારીઓ સંભાળી છે. તેમને જાન્યુઆરી 2020માં SBIના MD બનાવવામાં આવ્યા હતા. તેણે એગ્રીકલ્ચરમાં B.Sc કર્યું છે. તેઓ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કર્સ તરફથી સર્ટિફાઇડ એસોસિએટ પણ છે
રાણા આશુતોષ કુમાર સિંહ બન્યા SBIના MD
આ સિવાય કેબિનેટની નિમણૂક સમિતિએ રાણા આશુતોષ કુમાર સિંહને SBIના નવા MD તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં SBIના ડેપ્યુટી એમડી છે. સરકારે કહ્યું કે તેમનો કાર્યકાળ 30 જૂન, 2027 સુધી ચાલશે.