નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે PAN સાથે આધાર લિંક કરવાની સમયમર્યાદામાં 6 મહિનાનો વધારો કર્યો છે. હવે 30 સપ્ટેમ્બર 2019 સુધી તેને લિંક કરાવી શકાશે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આવકવેરા રિટર્ન ભરવા માટે આધાર નંબરનો ઉલ્લેખ કરવો ફરજીયાત કરવામાં આવ્યું છે. આ છઠ્ઠી વખત છે જ્યારે સરકારે પાન સાથે આધાર લિંક કરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે.


કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ સીબીડીટીએ આજે બહાર પાડેલા વક્તવ્યમાં કહ્યું કે, જો કોઈ વિશિષ્ટ છૂટ નહીં આપવામાં આવે તો આધાર સાથે પાન લિંક કરવાની અંતિમ તારીખ હવે 30 સપ્ટેમ્બર 2019 છે. જોકે, આની સાથે જ તે પણ કહેવામાં આવ્યું કે, 1 એપ્રિલ 2019થી આવકવેરા રીટર્ન ભરતા સમયે આધાર નંબરનો ઉલ્લેખ અનિવાર્ય હશે.

સીબીડીટીએ કહ્યું કે, અહેવાલો હતા કે જો પાન નંબર 31 માર્ચ સુધી આધારથી લિંક નહીં હોય તે અમાન્ય થઈ શકે છે, તે પછી આ મુદ્દે સરકારે વિચાર કર્યો અને તેના માટે છેલ્લી તારીખ વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી.