નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોને પ્રસ્તાહન આપવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાણાંમંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો પર આ ટેક્સ 1 ઓગસ્ટથી લાગું થશે. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર પણ જીએસટી 18 ટકા ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની આ 36મી બેઠક હતી. આ પહેલા 25 જુલાઈએ બેઠક થવાની હતી પરંતુ નાણામંત્રીના સંસદમાં વ્યસ્તતાના કારણે બેઠક રિ-શેડ્યૂલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક વાહનોને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શુક્રવારે મોટર વાહન અધિનિયમમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેના પ્રમાણે 15 વર્ષથી વધુ જૂના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય અને તેને ભંગારમાં મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે.
સામાન્ય બજેટમાં ઇલેક્ટ્રિક વાહન સેક્ટરમાં તેજી આવે તે માટે સરકાર દ્વારા ઇનકમ ટેક્સમાં છૂટ આપવા અને કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણાંમંત્રી નિર્મળા સિતારમણની અધ્યક્ષતામાં આ જીએસટી પરિષદની બીજી બેઠક અને સામાન્ય બજેટ બાદ પ્રથમ બેઠક હતી.