પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધરો થઈ રહ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 80 પૈસા અને ડિઝલમાં 82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ CNGના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે.  ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં એક જ ઝાટકે રુપિયા 6.45નો વધારો કર્યો  છે. આ ભાવ વધારો મંગળવારની મધરાતથી લાગૂ થશે. CNGનો જૂનો ભાવ રુપિયા 70.53 હતો, જે વધીને રુપિયા 76.98 થયો છે. CNGના ભાવમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને રિક્ષાચાલકો આ ભાવ વધારાથી નારાજ જોવા મળી રહ્યાં છે.


પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. 6 એપ્રિલ, બુધવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી 80-82 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત (Petrol Price) 105.41 રુપિયા પ્રતિ લીટર અને ડીઝલ (Diesel Price)ની કિંમત 96.67 રુપિયા પ્રતિ લીટર થઈ જશે. 5 એપ્રિલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-82 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 22 માર્ચથી અત્યાર સુધીમાં 14 વખત વધારો થયો છે. 


ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ


પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 80 પૈસા અને ડીઝલમાં આજે પ્રતિ લિટરે 82 પૈસાનો વધારો થયો છે. તો નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 105ને પાર પહોંચી ગઈ છે. તો ડીઝલ 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં 14 વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. 14 દિવસમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 10 રૂપિયા જેટલો વધારો થયો છે. જ્યારે 14 દિવસમાં ડીઝલની કિંમતમાં પ્રતિ લિટરે નવ રૂપિયાની આસપાસ ભાવ વધારો થયો છે.