Cashless Treatment: ઇન્શ્યોરન્સ સેક્ટરની રેગ્યુલેટર IRDAI એ હેલ્થ ઇન્શ્યોરન્સને (Health Insurance) સરળ બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગ્રાહકોને મોટી રાહત આપતા IRDAએ વીમા કંપનીઓને સૂચના આપી છે કે તેમણે 1 કલાકની અંદર કેશલેસ સારવાર (Cashless Treatment) અંગે નિર્ણય લેવો પડશે. ઉપરાંત, વીમા કંપનીઓએ ડિસ્ચાર્જની રિક્વેસ્ટ મળ્યાના 3 કલાકની અંદર મંજૂરી અંગે નિર્ણય લેવાનો રહેશે.


ડિસ્ચાર્જ માટે હોસ્પિટલમાં કોઈને રાહ જોવા દેવામાં ના આવે


IRDA એ બુધવારે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીને લઈને ઘણા મોટા ફેરફારો કર્યા છે. તેમણે પોતાના 55 પરિપત્રો પાછા ખેંચતા માસ્ટર સર્ક્યુલર બહાર પાડ્યો છે. આમાં તમામ નિયમોને એક જગ્યાએ લાવવામાં આવ્યા છે. આમાં સૌથી મોટો ફેરફાર ક્લેમ પ્રક્રિયાને લઈને કરવામાં આવ્યો છે. માસ્ટર સર્ક્યુલર મુજબ, કોઈ પણ સંજોગોમાં પોલિસી ધારકને ડિસ્ચાર્જ માટે હોસ્પિટલમાં રાહ જોવડાવી જોઈએ નહીં. કોઈ પણ સંજોગોમાં કંપનીઓએ 3 કલાકની અંદર મંજૂરી આપવી પડશે. જો આનાથી વધુ વિલંબ થશે તો વધારાનો ખર્ચ વીમા કંપનીએ ચૂકવવો પડશે.


મૃત્યુના કિસ્સામાં કાગળની કાર્યવાહી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ


જો પોલિસીધારક મૃત્યુ પામે છે તો વીમા કંપનીએ શક્ય તેટલી વહેલી તકે કાગળની કાર્યવાહી પૂર્ણ કરવી પડશે જેથી પરિવારજનોને મૃતદેહ તરત જ મળી શકે. તમામ કંપનીઓ 100 ટકા કેશલેસ સેટલમેન્ટનું લક્ષ્ય હાંસલ કરવાની દિશામાં શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જોઈએ. ઈમરજન્સીની સ્થિતિમાં તેમણે એક કલાકમાં મંજૂરી અંગે નિર્ણય લેવાનો રહેશે. IRDA એ આ નિયમોનું પાલન કરવા માટે વીમા કંપનીઓ માટે 31 જુલાઈ, 2024 ની સમયમર્યાદા નક્કી કરી છે. વીમા કંપનીઓએ હોસ્પિટલોની અંદર પણ હેલ્પ ડેસ્ક બનાવવા પડશે.


જે પોલિસી ધારકો ક્લેમ નથી લીધા તેઓને ઓફર મળશે


IRDA એ તમામ કંપનીઓને નિર્દેશ આપવામાં આવે છે કે તે તમામ સુવિધાઓ સાથે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ બહાર પાડે. વીમા કંપનીઓએ પોલિસી સાથે ગ્રાહકની માહિતી પત્રક પણ આપવું પડશે. જો બહુવિધ પોલિસી હોય તો કસ્ટમરને પસંદ કરવાની સ્વતંત્રતા હશે. ક્લેમ ન લેનારા પોલિસી ધારકોને ઓફરો આપવી પડશે. જેઓ પોલિસી અધવચ્ચે જ સમાપ્ત કરે છે તેમને કંપનીએ પૈસા પરત કરવાના રહેશે.