Hindenburg Research Report: માર્કેટ રેગ્યુલેટર સેબીએ (SEBI)  હિંડનબર્ગના રિપોર્ટને ફગાવી દીધો છે અને રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ બિલકુલ ગભરાય નહીં અને તેમણે હિંડનબર્ગ રિપોર્ટને લઇને ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. સેબીએ સોમવારે બજાર ખુલતા પહેલા જાહેર કરેલા નિવેદનમાં રવિવારે કહ્યું હતું કે ચેરપર્સન માધબી પુરી બુચ (Madhabi Puri Buch)  સમયાંતરે તમામ જરૂરી માહિતી આપતા રહે છે. તેમણે અધ્યક્ષ બનતા પહેલા જ સંભવિત હિતોના સંઘર્ષને લગતી બાબતોથી પોતાને દૂર કરી દીધા હતા.


અદાણી ગ્રુપ સામે 23 તપાસ પૂર્ણ, કંઈ મળ્યું નથી


સેબીએ જણાવ્યું હતું કે અમે ગયા વર્ષે અદાણી ગ્રુપ (Adani Group)  પર લાગેલા આરોપોને પગલે 24માંથી 23 તપાસ પૂરી કરી છે. છેલ્લા અહેવાલમાં કરાયેલા આક્ષેપો સાબિત થયા નથી. હવે બ્લેકસ્ટોન પર જે આક્ષેપો થઈ રહ્યા છે તે પણ ખોટા છે. સેબીએ રોકાણકારોને કહ્યું કે તમારે આવા અહેવાલોથી ચિંતા કરવાની જરૂર નથી. તેઓએ હિંડનબર્ગ રિપોર્ટનું ડિસ્ક્લેમર પણ વાંચવું જોઈએ. સેબીએ હિતોના સંઘર્ષને લગતા મુદ્દાઓ પર સંપૂર્ણ માળખું તૈયાર કર્યું છે. આમાં, સિક્યોરિટીઝ હોલ્ડિંગ અને ટ્રાન્સફર વિશે માહિતી આપવાની રહેશે. સેબી ચીફે આ તમામ નિયમોનું પાલન કર્યું છે.


12 હજાર પાનાના 300થી વધુ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી


અગાઉના અહેવાલ બાદ શરૂ કરાયેલી તપાસનું વર્ણન કરતાં સેબીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પણ તેના આદેશમાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. માત્ર એક જ તપાસ ચાલી રહી છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે. અમે 100થી વધુ સમન્સ જાહેર કર્યા હતા. 1,100 પત્રો અને ઈમેલ પણ મોકલ્યા હતા. આ સિવાય 100થી વધુ વખત સ્થાનિક અને વિદેશી રેગ્યુલેટર અને એજન્સીઓ પાસેથી આ મુદ્દે મદદ માંગવામાં આવી હતી. તેમજ ગત વખતે આરોપોની તપાસ માટે 12 હજાર પાનાના 300થી વધુ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી.


સેબી બોર્ડે પરામર્શ બાદ REIT નિયમોને મંજૂરી આપી હતી


હિંડનબર્ગના રિપોર્ટમાં આરોપ છે કે બ્લેકસ્ટોનને ફાયદો પહોંચાડવા માટે REIT નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. માધબી પુરી બુચના પતિ ધવલ બુચ સલાહકાર તરીકે કામ કરે છે. આના પર સેબીએ કહ્યું કે સેબી બોર્ડે લોકોના અભિપ્રાયના આધારે આ નિયમોમાં ફેરફાર કર્યા છે. સેબીએ કહ્યું કે અમે પારદર્શક માળખું બનાવ્યું છે. આ કોઈના ફાયદા માટે નથી. સેબીનો ઉદ્દેશ્ય રોકાણકારોને ફાયદો પહોંચાડવાનો છે.