નવી દિલ્હીઃ બ્રિટનની એચએસબીસી બેંક ટૂંકમાં જ 10 હજાર લોકોની છટણી કરી શકે છે. એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસી કોસ્ટ કટિંગ પર કામ કરી રહી છે, જેમાં 10,000થી વધારે નોકરીઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ દાવો ફાઈનાન્શિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. જોકે એચએસબીસીએ આ અહેવાલ પર કોઈપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.


ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ અનુસાર, આ મહિનાના અંતમાં ત્રીજા ક્વાર્ટરના પરિણામોના રિપોર્ટની જાહેરાત કર્યા બાદ એચએસબીસી નોકરીમાં છટણીની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે. જાણકારોનું એવું પણ માનવું છે કે આ જૉબ કટ મુખ્ય રીતે ઉચ્ચ-પગારદાર ધરાવનારાઓ પર કેન્દ્રીત રહેશે.

5 ઑગસ્ટે એચએસબીસી સમૂહના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) જૉન ફ્લિન્ટ પદેથી હટી ગયા હતા. તે સમયે સમૂહના ચેરમેન માર્ક ટકરે કહ્યુ હતું કે જે જટિલ અને પડકારરૂપ વૈશ્વિક માહોલમાં બેંક કામ કરી રહી છે, બોર્ડનું માનવું છે કે આ પડકારોનો સામનો કરવો જરૂરી છે. ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ વધવાથી વેપારમાં ઉદાસીન માહોલ છે. જેના કારણે છટણી કરવામાં આવી રહી છે.