Hurun Research 2024 Global Rich List: શાંઘાઈ સ્થિત હુરુન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે અબજોપતિનું એક લિસ્ટ જાહેર કર્યુ છે. જે મુજબ મુકેશ અંબાણી વિશ્વના 10માં સૌથી ધનિક છે. જ્યારે મુંબઈ હવે અબજોપતિની રાજધાની બની ગઈ છે. આ લિસ્ટમાં પ્રથમ ક્રમે ચીનની રાજધાની બીજિંગ હતી, જે હવે મુંબઈથી પાછળ રહી ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 2024 હુરુન ગ્લોબલ રિચ લિસ્ટમાં ટોચના 10 અબજોપતિઓમાં સ્થાન મેળવનારા એકમાત્ર ભારતીય છે. ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા વધીને 271 થઈ ગઈ છે. વર્ષ 2023 દરમિયાન દેશમાં અબજોપતિઓની સંખ્યામાં 94નો વધારો થયો છે. જો આ તમામ અબજોપતિઓની કુલ સંપત્તિ ઉમેરવામાં આવે તો તે લગભગ 1 ટ્રિલિયન ડૉલર થશે, જ્યારે પાકિસ્તાનની આખી જીડીપી 1.57 ટ્રિલિયન ડૉલર છે.


મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ


રિપોર્ટ અનુસાર 66 વર્ષીય અંબાણીની કુલ સંપત્તિ 40 ટકા વધીને 115 અબજ ડોલર થઈ ગઈ છે. જો કે, સંપત્તિમાં વધારો થવા છતાં મુકેશ અંબાણી વિશ્વના ટોચના અબજોપતિઓની રેન્કિંગમાં એક સ્થાન ઘટીને 10મા સ્થાને પહોંચી ગયા છે. તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.


ગૌતમ અદાણી 15મા સ્થાને


અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 15મા ક્રમે છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં અંબાણી પછીના ભારતીય છે. 61 વર્ષના ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 86 અબજ ડોલર છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં વધારાને કારણે તેમની સંપત્તિમાં 33 અબજ ડોલરનો વધારો થયો છે.


શેરબજારને કારણે ભારતમાં 94 નવા અબજોપતિ ઉમેરાયા


ભારત માટે  “સુપર સ્ટ્રોંગ વર્ષ” હતું. શેરબજારમાં તેજીને કારણે ભારતમાં 94 નવા અબજોપતિનો ઉમેરો થયો હતો, જે યુએસ પછીના કોઈપણ દેશ માટે સૌથી વધુ અબજોપતિ છે. આ સિવાય મુખ્ય ભારતીય ઉદ્યોગોમાં ફાર્માસ્યુટિકલ્સ (39 અબજોપતિ), ઓટોમોબાઈલ અને ઓટો ઘટકો (27) અને રસાયણો (24)નો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર અબજોપતિઓની સરેરાશ ઉંમર 67 વર્ષ છે.


મોટાભાગના અબજોપતિઓ મુંબઈમાં રહે છે


મુંબઈ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અબજોપતિની રાજધાની તરીકે ઉભરી આવ્યું છે. રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં મુંબઈમાં 26 નવા અબજોપતિઓ ઉમેરાયા છે. આ સાથે મુંબઈ શહેરોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે જ્યાં સૌથી વધુ અબજોપતિઓ રહે છે. મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની છે. નવી દિલ્હી પહેલીવાર અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10માં પહોંચી ગયું છે. પામ બીચ, ઇસ્તંબુલ, મેક્સિકો સિટી અને મેલબોર્ન પણ હુરુનના ટોચના 30 શહેરોમાં સ્થાન ધરાવે છે.