નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે બુધવારે કહ્યું કે, તે કોરોના વાયરસનો સામનો કરવા માટે દેશવ્યાપી લોકડાઉન લગાવવાના ભારતના નિર્ણયનું સમર્થન કરે છે.  જેનાથી એક દિવસ અગાઉ આઇએમએફે પોતાના વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં 2020માં ભારતનો વિકાસ દર 1.9 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો.


આઇએમએફના એશિયા અને પ્રશાંત વિભાગના નિર્દેશક ચાંગ યોંગ રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આર્થિક મંદી છતાં સરકારે દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યું. અમે ભારતને સમયસૂચકતા દાખવી અગાઉ નિર્ણય લીધો જેનું સમર્થન કરીએ છીએ.

ભારતમાં  25 માર્ચના રોજ ત્રણ સપ્તાહનું લોકડાઉન જાહેર કર્યું હતું જે 14 એપ્રિલે પૂર્ણ થઇ રહ્યું હતું પરંતુ બાદમાં સરકારે લોકડાઉનને ત્રણ મે સુધી વધારી દીધું હતું. આખા એશિયા-પ્રશાંત ક્ષેત્ર પર કોરોના વાયરસની અસર ગંભીર અને અભૂતપૂર્વ હશે. 2020માં એશિયાનો વિકાસ થંભી જશે. 2021માં વાયરસને નિયંત્રણમાં લેવામાં આવશે તો વૃદ્ધિમાં ફરી ઉછાળો આવશે.