નવી દિલ્હીઃ આગામી એક વર્ષમાં સૌથી ખતરનાક વૈશ્વિક મંદી આવી શકે છે. આ મંદી 2008 કરતા પણ મોટી હશે. જેની શરૂઆત થવાના એંધાણ મળવાના શરૂ થઈ ગયા છે. બેંક ઓફ અમેરિકા મેરિલ લિંચે પોતાના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. આ રિપોર્ટમાં વર્લ્ડના ઘણાં મોટા ફંડ મેનેજર્સ વચ્ચે એક સર્વે 2 થી 8 ઓગસ્ટ વચ્ચે કર્યો હતો. તેમાં 34% ફંડ મેનેજર્સે માન્યું છે કે, આગામી એક વર્ષમાં એક મોટી મંદી આવી શકે છે, જે ઓક્ટોબર 2011 બાદ સૌથી મોટી હશે. આ સર્વેમાં 224 ફંડ મેનેજર્સે ભાગ લીધો હતો.

સર્વેમાં સામેલ અડધાથી વધુ મેનેજર્સનું કહેવું છે કે કોર્પોરેટ ગ્રુપ્સ દબાણમાં છે અને તેમણે પોતાની બેલેન્સશીટમાં સુધારો કરવા માટે પગલા ભરવા જોઇએ. સર્વેમાં કહેવામાં આવ્યું કે મોટા ભાગના ઇન્વેસ્ટર્સનું માનવું છે કે કોર્પોરેટ્સે પોતાની બેલેન્સ સીટમાં સુધારા માટે બાયબેક અથવા અન્ય વિકલ્પો પર કામ કરવાના બદલે કેશનો ઉપયોગ કરવો જોઇએ. ફંડ મેનેજર્સ મુજબ આગામી દિવસોમાં ટ્રેડ વોર પણ ગ્લોબલ મંદીનું એક કારણ બની શકે છે.

માંગ નહી હોવાના કારણે ઘણાં દેશોએ પોતાની ફેક્ટરીમાં ઉત્પાદન સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. કંપનીઓ પાસે જુનો સ્ટોક તેટલો પડ્યો છે કે તેને પુરો કરવામાં હજુ ઘણો સમય લાગશે. ચીન અને ભારતમાં ઓટો સેક્ટરની સ્થિતી ખરાબ જોવા મળી રહી છે. ભારતમાં સતત ત્રીજા મહીને ગાડીઓના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે અને ચીનની પણ આવી જ સ્થિતી છે.