ઉલ્લેખનિય છે કે વિશ્વની પાંચ સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવાનું ગૌરવ ભારત લાંબો સમય સુધી લઈ શક્યું નહીં. 2018માં બ્રિટનનું અર્થતંત્ર 2.82 ટ્રિલિયન અમેરિકન ડોલર અને ફ્રાંસનું અર્થતંત્ર 2.78 ટ્રિલિયન અમેરિકન ડોલર પર પહોંચી જતાં તેઓ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા સ્થાને આવી ગયાં છે. જ્યારે ભારત 2.73 ટ્રિલિયન અમેરિકન ડોલરની સાથે સાતમા સ્થાન પર ધકેલાઈ ગયો છે. તેનો અર્થ એ થયો કે 2017ના 15.72 ટકાની સરખામણીમાં 2018માં ભારતીય અર્થતંત્ર ફક્ત 3.01 ટકાના દરે જ વિકાસ પામ્યું હતું. બીજીતરફ બ્રિટનનું અર્થતંત્ર 6.81 ટકા અને ફ્રાંસનું અર્થતંત્ર 7.33 ટકાના દરે વિકાસ પામ્યું હતું.
નવા આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારત 2025માં જાપાનના અર્થતંત્રને પાછવ પાડી દેવાની વાતો ચાલી રહી છે. તાજેતરમાં આઇએચએસ માર્કેટના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત આ વર્ષે બ્રિટનને પાછળ પાડી પાંચમું સ્થાન પ્રાપ્ત કરી દેશે અને 2025માં જાપાનને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વિશ્વ બેન્કના આંકડા પ્રમાણે જાપાનની અર્થવ્યવસ્થા 4.97 ટ્રિલિયન અમેરિકન ડોલર છે જે ભારત કરતાં 2.24 ટ્રિલિયન ડોલર વધુ છે. ભારતમાં મોદી સરકાર 2025માં ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની જાહેરાતો કરી રહી છે.