ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ WazirX ગયા અઠવાડિયે તેના 40 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.  કંપનીના કોમ્યુનિકેશન, માર્કેટિંગ અને પોલિસી સાથે સંબંધિત કર્મચારીઓની છંટણી કરવામાં આવી છે. WazirXએ લગભગ 50-70 કર્મચારીઓને કાઢી મૂક્યા છે. શુક્રવારે કર્મચારીઓને કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમને 45 દિવસનો પગાર આપવામાં આવશે પરંતુ તેઓ WazirX સાથે વધુ કામ કરી શકશે નહીં. Coindesk ના અહેવાલમાં જણાવાયું છે કે કર્મચારીઓ પાસેથી ઍક્સેસ પાછું ખેંચી લેવામાં આવ્યું છે.






મંદીની અસર


શનિવારે એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે  WazirX એ જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક મંદીને કારણે ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડો થઇ રહ્યો છે. વધુમાં ભારતીય ક્રિપ્ટો ઉદ્યોગની ટેક્સ, એક્સચેન્જ અને બેન્કિંગ સંબંધિત અનેક પોતાની સમસ્યાઓ છે. જેના કારણે એક્સચેન્જોમાં ઘટાડો થયો છે. WazirX એ કહ્યું કે અમારી પ્રાથમિકતા આર્થિક રીતે સ્થિર રહીને ગ્રાહકોને સેવા પૂરી પાડવાની છે. આ માટે અમે અમારા સ્ટાફની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઉપરાંત, WazirX વતી એવું કહેવામાં આવ્યું હતું કે આ પરિસ્થિતિ 2018 માં આ ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવી હતી તેવી જ સ્થિતિ છે.


મજબૂત વાપસીની આશા


કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉદ્યોગ એક સાઇકલમાં  કામ કરે છે અને મંદીનો અર્થ એ છે કે વધુ વેગ આવશે. WazirXએ કહ્યું- 'અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ચાલુ રાખીશું. અમને વિશ્વાસ છે કે જ્યારે બજારમાં તેજી આવશે ત્યારે અમે વધુ મજબૂત વાપસી કરીશુ. Coindesk ના અહેવાલમાં જણાવાયું છે કે ગ્રાહક સપોર્ટ અને માનવ સંસાધન સહિત ઘણા વિભાગોમાંથી સ્ટાફ ઘટાડવામાં આવ્યો છે. આ સાથે કર્મચારીઓને મેનેજર, એક્સપર્ટ, એસોસિયેટ મેનેજર અને ટીમ લીડ જેવા હોદ્દા પરથી પણ છૂટા કરવામાં આવ્યા છે.


રિપોર્ટ અનુસાર, WazirXએ તેની સમગ્ર પબ્લિક પોલિસી ટીમ અને કોમ્યુનિકેશન ટીમને બરતરફ કરી દીધી છે. CoinGecko ના ડેટા અનુસાર, WazirXનું દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ 28 ઓક્ટોબર 2021ના રોજ $478 મિલિયનથી ઘટીને 1 ઓક્ટોબર 2022ના રોજ $1.5 મિલિયન થયું હતું.


EDએ કાર્યવાહી કરી


થોડા મહિના પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ WazirX એક્સચેન્જની સંપત્તિઓ જપ્ત કરી હતી. ED એ Zanmai Lab Pvt. Ltd. ના એક ડિરેક્ટરના સ્થળો પર સર્ચ કર્યું હતું. આ કંપની WazirX ની માલિકી ધરાવે છે. ED એ કહ્યું કે WazirX ક્રિપ્ટો એક્સચેન્જે યુએસ, સિંગાપોરમાં કેટલીક ક્રિપ્ટો એક્સચેન્જ કંપનીઓ સાથે વેબ કરાર કર્યા છે.