નવી દિલ્હીઃ દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું. આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીની લોકડાઉન વધારવાની જાહેરાત બાદ ભારતીય રેલવેએ પણ મોટો નિર્ણય લીધો હતો. રેલવે દ્વારા પણ તમામ ટ્રેનો 3 મે સુધી નહીં દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ટ્રેનો 15 એપ્રલિથી શરૂ થાય તેવી વાતો હતી.
દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 10,363 પર પહોંચી છે. જ્યારે 339 લોકોના મોત થયા છે અને 1036 લોકો સાજા થઈ ગયા છે.