નવી દિલ્હીઃ કોરોના સંકટના કારણે પેસેન્જર ટ્રેન બંધ હોવાથી રેલવેની આવકમાં મોટું ગાબડું પડ્યું છે. પરંતુ આ દરમિયાન રેલવેએ બીજા રસ્તેથી કરોડો રૂપિયાની કમાણી કરી છે. રેલવેએ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ભંગાર વેચીને અત્યાર સુધીની સૌથી વધુ ૪૫૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલવેની આ તગડી કમાણીનો ખુલાસો આરટીઆઈ હેઠળ માંગવામાં આવેલી જાણકારીમાં થયો છે.
રેલવેને ભંગાર વેચાણની સૌથી વધુ આવક ક્યારે થઈ હતી
આ પહેલા ભારતીય રેલવેને ભંગારના વેચાણની સૌથી વધુ આવક નાણાકીય વર્ષ ૨૦૧૦-૧૧માં થઇ હતી. તે સમયે ભંગારના વેચાણ દ્વારા ૪૪૦૯ કરોડ રૂપિયાની આવક થઇ હતી. ભારતીય રેલવેમાં જૂના રેલવે ટ્રેક, જૂના કોચ, જૂના લોકોમોટિવ વેચવાથી ભંગારની આવક થાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભારતીય રેલવેની આ એક મહત્ત્વપૂર્ણ આવક છે.
બે વર્ષમાં થઈ બંપર આવક
આરટીઆઇ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં રેલવે બોર્ડે જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રેલવેને ૪૩૩૩ કરોડ રૂપિયાની આવક થઇ હતી. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૫૭૫ કરોડ રૂપિયાની આવક થઇ છે. આમ છેલ્લા બે નાણાકીય વર્ષમાં જ રેલવેને ભંગારના વેચાણથી 8908 કરોડ રૂપિયાની આવક થઈ છે. રેલવે ભંગારના વેચાણની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા જઇ રહ્યું છે. રેલવેમાં તમામ હરાજીઓ અને નાણાના વ્યવહારો ઇલેક્ટ્રોનિકલી કરવામાં આવે છે. જેના કારણે ભ્રષ્ટાચાર થવાની ખૂબ જ ઓછી શક્યતાઓ રહલી છે.
રેલવેમાં તમામ હરાજીઓ ઇ-ઓક્શન દ્વારા જ કરવામાં આવે છે. ભંગારના વેચાણની પ્રક્રિયા પણ અલગ અલગ કેટેગરીમાં કરવામાં આવે છે. રેલવે બોર્ડે એક નિવેદનમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે ભંગારના વેચાણનો લક્ષ્યાંક ૪૦૦૦ કરોડ રૃપિયાનો નક્કી કરવામાં આવ્યો હતો. જેની સામે ૪૫૭૫ કરોડ રૃપિયાનું ભંગાર વેચાયુ હતું.
કોરોના મહામારી છતાં આ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સફળતા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં કોઇ પણ પ્રકારના ભંગારનું વેચાણ શક્ય બન્યું ન હતું. છેલ્લા કવાર્ટરમાં સૌથી વધુ ભંગારનું વેચાણ થયું હતું. ઝોનલ વાઇસ જોઇએ તો વેસ્ટર્ન રેલવે દ્વારા સૌથી ૪૯૧ કરોડ રૂપિયાનું ભંગાર વેચવામાં આવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૪૧૦૦ કરોડ રૂપિયાના ભંગારના વેચાણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.