મુંબઈ: કોરોના વાયરસ અમેરિકા સહિત સમગ્ર દુનિયામાં પહોંચી ગયો છે જેના કારણે દુનિયાભરના બજારોમાં કડાકો જોવા મળ્યો છે. 2008 બાદ પહેલી વાર અમેરિકાનો ડાઉજોન્સ એક જ અઠવાડિયામાં આટલો બધો તૂટ્યો હતો. બજારોમાં વેચવાલીનું દબાણ વધી ગયું છે. ભારતીય શેર બજારમાં પણ મોટો કડાકો જોવા મળ્યો હતો. માત્ર ગણતરીની જ મીનિટોમાં બીએસઈમાં રોકાણ કરનાર રોકાણકારોના અંદાજે 5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળી રહ્યું છે.

ભારતીય શેરબજારમાં આ અઠાડિયાના પાંચેય દિવસ સતત મંદીમય વલણ જોવા મળ્યું હતું. ગત 24મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં શેરબજારમાં અંદાજે 2500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.

સ્થાનિક શેરબજારની વાત કરીએ તો શેર બજારમાં સતત વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત છઠ્ઠા દિવસે બજાર ધડામ કરતાં પછડાયું છે. અત્યાર સુધીમાં લગભગ 6 લાખ કરોડ રોકાણકારો 6 ટ્રેડિંગ સેશનમાં ડૂબી ગયા છે.

સેન્સેક્સ સવારે 9.50 વાગ્યે 1145 અંક નીચે 38,600 પર કારોબાર કરી રહ્યો હતો. તેનો અર્થ એ કે 2.33%નો ઘટાડો થયો હતો. જ્યારે નિફ્ટી 2.99% નીચે 347.90 પોઈન્ટના ઘટાડા સાથે 11,285 પોઈન્ટ પર કારોબાર કરતા જોવા મળ્યો હતો.