Stock Market Closing On 29th September 2022: ગુરુવારે સવારે ભારતીય શેરબજાર શાનદાર તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ દિવસના કારોબાર દરમિયાન અને યુરોપિયન બજારોમાં ઘટાડાને જોતા ભારતીય બજારોમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળ્યું હતું. જે બાદ બજાર લાલ નિશાનમાં ટ્રેડ થવા લાગ્યું. આજે કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 183 પોઈન્ટના ઘટાડા સાથે 56,415 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 15 પોઈન્ટ ઘટીને 16,853 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે બજારમાં સપ્ટેમ્બર મહિનાની માસિક એક્સપાયરી હતી. આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા વધ્યા હતા, જ્યારે ઓટો, આઈટી, એનર્જી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેર ઘટાડાની સાથે બંધ થયા હતા. આજે બજારમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી ઈન્ડેક્સના 50 શેરોમાંથી 25 શેર લાલ નિશાનમાં અને 25 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 18 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.
આજે આ શેરના ભાવ વધ્યાઃ
આજે જે શેરો ઉપર હતા તે જો આપણે જોઈએ તો ITC 2.51 ટકા, ડૉ. રેડ્ડી 2.16 ટકા, ટાટા સ્ટીલ 1.68 ટકા, સન ફાર્મા 1.38 ટકા, નેસ્લે 1.17 ટકા, મહિન્દ્રા 1.13 ટકા, ભારતી એરટેલ 0.80 ટકા, NTPC 0.66 ટકાના વધારા સાથે બંધ થયા છે.
આજે આ શેરના ભાવ ઘટ્યાઃ
ઘટતા શેરોમાં એશિયન પેઇન્ટ્સ 4.99 ટકા, ટેક મહિન્દ્રા 1.86 ટકા, ટાઇટન કંપની 1.53 ટકા, કોટક મહિન્દ્રા 1.49 ટકા, બજાજ ફાઇનાન્સ 1.53 ટકા, TCS 1.20 ટકા, વિપ્રો 1.14 ટકા, મારુતિ સુઝુકી 1.05 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
વૈશ્વિક બજારમાં તેજી
યુએસ બજારોએ 6 દિવસના ઘટાડા બાદ જોરદાર ઉછાળો નોંધાવ્યો છે. બુધવારે યુએસ માર્કેટમાં 2 થી 3 ટકાનો ઉછાળો આવ્યો છે. ડાઉ જોન્સ 549 પોઈન્ટ વધીને 29,684 પર બંધ રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેક 222 પોઈન્ટ વધીને 11,052ની સપાટીએ બંધ રહ્યો હતો. S&P 500 1.97 ટકા વધ્યો. ગુરુવારે, SGX નિફ્ટી 175 પોઇન્ટ ઉછળીને 17050 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જાપાનનો નિક્કી પણ 200 પોઈન્ટ વધ્યો હતો. ડાઉ ફ્યુચર સપાટ છે. આર્થિક મંદીથી બચવા માટે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે બોન્ડ ખરીદવાની જાહેરાત કરી છે. આગામી 2 અઠવાડિયા માટે જરૂરિયાત મુજબ બોન્ડ્સ ખરીદશે.