નવી દિલ્હીઃ આર્થિક મોરચા પર મોદી સરકારને એક મોટો ઝટકો લાગ્યો છે. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર દેશની જીડીપી ગ્રોથ રેટ 5.8 ટકાથી ઘટીને પાંચ ટકા પર આવી ગયો છે. છેલ્લા વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ 8.2 ટકા પર રહ્યો હતો. કૃષિ વિકાસ દર છેલ્લા વર્ષે 5.1 ટકાની સરખામણીએ 2 ટકા પર આવી ગયો છે. જ્યારે મેન્યુફ્રેક્ચરિંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. છેલ્લા વર્ષે મેન્યૂફ્રેક્ચરિંગ સેક્ટરમાં ગ્રોથ રેટ છેલ્લા વર્ષમાં 12.1 ટકા હતો જે હવે ઘટીને 0.6 ટકા પર આવી ગયો છે.


દેશની અર્થવ્યવસ્થાને લઇને  સતત ચારેતરફ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને લઇને આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે એક સપ્તાહમાં બીજી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નાણામંત્રીએ કહ્યુ કે, દેશની ઇકોનોમી યોગ્ય હાલતમાં છે. બેન્કોની સારી સ્થિતિ અંગે તેમણે કહ્યુ કે, બેન્કોના એનપીએ ઓછા થયા છે અને નફો વધ્યો છે  જે સારા સમાચાર છે. પરંતુ હવે સીએસઓ દ્ધારા જાહેર કરાયેલા આંકડાઓએ લોકોને પરેશાન કરી દીધા છે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે, ઓછા સમયમાં લોન રિકવરી વધી ગઇ છે અને લોન વસૂલવામાં રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. એનપીએમાં ઘટાડો થયો છે અને આ 8.65 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 7.90 લાખ કરોડ રૂપિયા થઇ ગયો છે જે હવે 7.90 લાખ કરોડ એનપીએ બચ્યો છે. 2019માં એક લાખ 21 હજાર 76 કરોડની રિકવરી થઇ છે જે ખૂબ સારી વાત કહી શકાય. તે સિવાય 18 પલ્બિક સેક્ટરની બેન્કોમાંથી 14 સરકારી બેન્કો નફામાં છે, બેન્કોનો નફો વધ્યો છે.