Vegetable Price Hike: મોંઘવારીના કાળમાં લીલા શાકભાજી, મસાલો, ફળોના ભાવ આસમાને પહોચ્યા છે. લીલા શાકભાજીની આવક 60 ટકા ઘટી હોવાથી ભાવો બમણા જેટલા થઈ ગયા છે. તો સામાન્ય દિવસોમાં મળતા ફળોના ભાવોમાં પણ વધારો થતા લોકોને ઉપવાસ મોંઘો પડી રહ્યો છે.


બજારમાં ટામેટાં, કોથમીર, ડુંગળી, મરચાં, ફુલાવર, બટાકાના ભાવો વધ્યા બાદ હવે આદુ રિટેઈલમાં રુપિયા 260માં મળી રહ્યું છે. તો મરચાના 100, ડુંગળીના 75, લસણના 200 અને ફણસીના 250 રુપિયા ભાવ બોલાય રહ્યા છે. બીજી તરફ કેળાના ડઝનના રુપિયા 75, દાડમના 260, કરબુચના 35, ચીકુના 150 અને સફરજનના રુપિયા 250 પ્રતિકિલો સુધી પહોચ્યા છે. જ્યારે બજારમાં મળતી ચાના કપમાં આદુ નાંખવાનું કીટલીવાળાઓએ બંધ જ કરી દીધું છે.


ચાર મહિના સુધી સતત ઘટાડા બાદ ફુગાવાના દરના આંકડાએ ફરી એકવાર યુ-ટર્ન લીધો છે. જૂન 2023માં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર ઉછાળાને કારણે છૂટક ફુગાવાના દરમાં ફરીથી વધારો થયો છે. જૂન મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.81 ટકા હતો જ્યારે મે 2023માં રિટેલ મોંઘવારી દર 4.31 ટકા હતો.


આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના મોંઘવારી દરમાં ભારે વધારો થયો છે. ખાદ્ય ફુગાવો જૂનમાં વધીને 4.49 ટકા થયો છે, જે મે 2023માં 2.96 ટકા હતો. જૂન 2022માં ખાદ્ય ફુગાવાનો દર 7.75 હતો.


જૂન મહિનામાં મોંઘવારી દરમાં વધારો થવાનું મુખ્ય કારણ અરહર અને અન્ય કઠોળના ભાવ છે. કઠોળનો ફુગાવો જૂનમાં 10.53 ટકા હતો, જ્યારે મે મહિનામાં તે 6.56 ટકા હતો. લીલોતરી અને શાકભાજીનો ફુગાવાનો દર જૂનમાં -0.93 ટકા રહ્યો છે. જ્યારે મે મહિનામાં તે -8.18 ટકા હતો. મસાલાનો ફુગાવો મે મહિનામાં 17.90 ટકાથી વધીને 19.19 ટકા થયો છે. દૂધ અને તેના સંલગ્ન ઉત્પાદનોના ભાવ મે મહિનામાં 8.91 ટકાની સરખામણીએ હજુ પણ 8.56 ટકા પર રહ્યા છે. ખાદ્ય અનાજ અને સંબંધિત ઉત્પાદનોનો ફુગાવાનો દર 12.71 ટકા રહ્યો, જે મે મહિનામાં 12.65 ટકા હતો. જો કે, તેલ અને ચરબીનો ફુગાવાનો દર ઘટીને -18.12 ટકા થયો હતો, જે મે મહિનામાં -16.01 ટકા હતો. ખાંડનો મોંઘવારી દર 3 ટકા હતો, જે ગયા મહિને 2.51 ટકા હતો.


ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ટામેટા લાલઘુમ થયા છે. દેશમાં ટામેટા 200 રૂપિયાથી પણ વધુના ભાવે કિલો વેચાઈ રહ્યાં છે. રાજધાની દિલ્હી સહિતની કેટલીક જગ્યાઓએ તો ટામેટાનો કિલોનો ભાવ 260 રૂપિયાને વટાવી ગયા છે. જેની આ આંકડાઓ પર ભારે અસર થઈ છે. 





Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial