રશિયા સાથે કોઈ પણ પ્રકારના સંબંધો ન રાખવા માટે ભારત ભલે અમેરિકા અને તેના સાથી દેશોના દબાણમાં ન આવ્યું હોય, પરંતુ એક ભારતીય કંપનીએ આ દબાણમાં આવીને હવે રશિયા સાથેનો પોતાનો બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, ભારતની સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે બુધવારે જાહેરાત કરી હતી કે તે તેના બિઝનેસને રશિયાથી બહાર લઈ જઈ રહી છે.
કંપનીએ આ વિશે શું કહ્યું
ઈન્ફોસિસના સીઈઓ સલિલ પારેખે જણાવ્યું હતું કે, અમે રશિયામાં જેટલા પણ કેન્દ્રો ધરાવીએ છીએ તેમાંથી અમે અમારો આખો બિઝનેસ રશિયાની બહાર લઈ જવાની શરૂઆત કરી છે. અમારી પાસે હવે રશિયામાં 100 કરતાં ઓછા કર્મચારીઓ બાકી છે. અમે કોઈપણ રશિયન કંપની સાથે કામ કરી રહ્યા નથી.
ઇન્ફોસિસે આ પગલું કેમ ભર્યું
તમને જણાવી દઈએ કે રશિયા સાથે ભારતના સંબંધો ઘણા સારા રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત હજુ સુધી રશિયા વિરુદ્ધ કંઈ બોલ્યું નથી. જેના કારણે અમેરિકા અને અન્ય દેશો પણ ભારત પર દબાણ બનાવી રહ્યા છે. એટલું જ નહીં રશિયાએ ભારતને ઓછી કિંમતે ક્રૂડ ઓઈલની ઓફર કરી હતી, જેને ભારતે સ્વીકારી લીધી હતી. આ અંગે પણ દબાણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ ભારત ઝૂક્યું ન હતું. હવે સવાલ એ ઉઠે છે કે અચાનક એક કંપની આ રીતે પોતાનો કારોબાર સમેટીને બહાર કેમ આવી રહી છે. તેની પાછળ કંપનીનું યુકે કનેક્શન છે, જેના કારણે કંપનીને આ પગલું ભરવાની ફરજ પડી છે.
દીકરી અને જમાઈ પર સવાલો ઉઠી રહ્યા હતા
વાસ્તવમાં ઈન્ફોસિસના આ નિર્ણય પાછળનું એક મોટું કારણ બ્રિટનમાં કંપનીના સંસ્થાપક એન નારાયણ મૂર્તિના જમાઈ અને તેમની પુત્રીને લઈને ઉભા થઈ રહેલા પ્રશ્નો છે. નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક બ્રિટનના નાણામંત્રી છે. ઋષિ સુનકની પત્ની અને નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિની ઇન્ફોસિસમાં લગભગ $1 બિલિયનનો હિસ્સો છે. બ્રિટિશ નાણાપ્રધાન ઋષિ સુનક પર પત્ની અક્ષતા મૂર્તિની ઇન્ફોસિસમાં હિસ્સેદારી દ્વારા રશિયા પાસેથી આર્થિક લાભ મેળવવાના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધ પક્ષો તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિવાદને ખતમ કરવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે.