મુંબઈઃ કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ છે ત્યારે રોકાણ માટે વર્ષ 2020માં રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે. આ વર્ષે સોનાના રોકાણ પર અંદાજે 28 ટકા જેટલું તગડું વળતર મળ્યું છે. આ વળતર વર્ષ 2011માં મળેલા વળતર 31.1 ટકા બાદ બીજુ સૌથી ઉંચુ વળતર છે. 15 વર્ષની સરેરાશ જોઈએ તો સોના પર સરેરાશ 14.1 ટકાનું શાનદાર બળતર મળ્યું છે.


વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં આવેલી તેજીની અસર ઘરઆંગણે બજારોમાં પણ જોવા મળી છે. વૈશ્વિક બજારોમાં આ વર્ષે સોનાનો ભાવ 23 ટકા જેટલો ઉછળ્યો છે. આ જ કારણે ઓગસ્ટ મહિનામાં ભારતીય બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ સપાટી 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. જોકે આ ઉચ્ચ સપાટીથી ભાવ 10 ટકા જેટલા ગગડી ગયચા છે અને ત્યાં સુધીનું કુલ વળતર 27.7 ટકા રહ્યું છે.

આ સાથે જ ચાંદીમાં પણ જોરદાર તેજી જોવા મળી છે. આ વર્ષે ચાંદી પણ ટોચની સપાટી 77840 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી હતી. વર્ષ 2005થી અત્યાર સુધી સોનાના રોકાણમાં આ ત્રીજું એવું વર્ષ છે જ્યારે આટલું તગડું વળતર મળ્યું છે જ્યારે બે વર્ષ એવા પણ રહ્યા છે જ્યારે રોકાણકારોને નુકસાન ઉઠાવવું પડ્યું છે. વર્ષ 2013માં સોનાની કિંમત 18.7 ટકા ઘટી હતી.
રેટિંગ એજન્સી ક્રેડિટ સુઇસનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2021ના જુલાઇ- સપ્ટેમ્બર ક્વાર્ટર સુધી સોનાનો ભાવ 20 ટકા સુધી વધી શકે છે, દિલ્હીનાં બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનનાં પ્રમુખે આશા વ્યક્ત કરી છે કે આગામી દોઢ વર્ષ સુધી સોનું તેની સર્વોચ્ચ સપાટી જાળવી રાખશે.

ગોલ્ડમેન સાક્સે પણ વર્ષ 2021માં સોનાની કિંમતે વધશે તેવી આશા વ્યક્ત કરી છે. જો કે કેટલાક નિષ્ણાતોએ તેમાં થોડા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે રોકાણકારો હવે ફરીથી શેર અને મ્યુચ્યુઅલ ફ્ંડ જેવી જોખમી સંપત્તીઓમાં તફળ વળવા લાગ્યા છે.