Share Market Crash: શેરબજારના આજના ઘટાડામાં, રોકાણકારોને જબરદસ્ત આંચકો લાગ્યો છે અને તેમની અંદાજે આઠ લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ છે. BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડાથી રોકાણકારોની રૂ. 7.59 લાખ કરોડની કમાણી સાફ થઈ ગઈ છે. રોકાણકારોની સંપત્તિ ગઈ કાલે રૂ. 255.68 કરોડની હતી તે આજે ઘટીને રૂ. 248.09 લાખ કરોડ થઈ છે. આ રીતે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 7.59 લાખ કરોડનો ઘટાડો થયો છે.


રશિયા-યુક્રેન યુદ્ધને કારણે શેરબજારમાં કડાકો


આજે સ્થાનિક બજારમાં રોકાણકારોએ શરૂઆતની મિનિટોમાં જ રૂ. 7.5 લાખ કરોડ ગુમાવ્યા અને તેનું કારણ એ હતું કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન પર લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. આ સમાચારનો સમય બજારની શરૂઆતની આસપાસનો હતો અને તેની અસર શેરબજારમાં જબરદસ્ત ઘટાડાના રૂપમાં જોવા મળી હતી.


શેરોમાં ઘટાડો


ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેંક અને ટેક મહિન્દ્રા સેન્સેક્સમાં ટોચના નુકસાનકર્તાઓમાં સામેલ હતા. સેન્સેક્સમાં 3.96 ટકાનો મોટો ઘટાડો શરૂઆતમાં જ આવ્યો હતો. સેન્સેક્સના તમામ સેક્શન લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.


બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકો તૂટ્યા હતા


BSEના તમામ 19 ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાથી લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BSE બેન્ક 1108 પોઈન્ટ ઘટીને 41,812 પર અને BSE IT ઈન્ડેક્સ 916 પોઈન્ટ ઘટીને 32,963 પર હતો.


શરૂઆતની મિનિટોમાં બજાર તૂટી ગયું હતું


શેરબજારમાં ચારેબાજુ વેચવાલી અને ગભરાટના સેન્ટિમેન્ટ્સ દ્વારા હજુ પણ લાલ નિશાન છવાયેલું છે. ખુલતા સમયે નિફ્ટીના 50માંથી 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક નિફ્ટી 1000 પોઈન્ટ તોડીને 2.69 ટકાના ઘટાડા સાથે 36422 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બેન્ક નિફ્ટીના તમામ 12 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.


ઈન્ટ્રાડેમાં માર્કેટ 2000 પોઈન્ટથી વધુ તૂટ્યું


આજે બજાર ખુલ્યાના અડધા કલાકમાં જ સેન્સેક્સ 2,020.90 પોઈન્ટ્સ અથવા 3.53 ટકાના ઘટાડા સાથે 55,211.16 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સિવાય નિફ્ટી 594.40 પોઈન્ટ્સ અથવા 3.48 ટકાના જંગી ઘટાડા પછી 16,468 પર ટ્રેડ થઈ રહ્યો હતો.


માર્કેટ ઓપનિંગ નેગેટિવ હતું


શેરબજારની શરૂઆતની જ વાત કરીએ તો સેન્સેક્સમાં 1800 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 514 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.