Investors Wealth Loss: સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે, વૈશ્વિક કારણોસર ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 1,000, જ્યારે નિફ્ટી એક સમયે 300 પોઈન્ટથી વધુ ગગડી ગયો હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને જબરદસ્ત નુકસાન થયું છે. બજારમાં આ ઘટાડાથી રોકાણકારોને 3.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.


BSE 30 મુખ્ય શેરોનો સેન્સેક્સ 1,011.93 પોઈન્ટ ઘટીને 57,914.10 પર પહોંચ્યો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન શરૂઆતના વેપારમાં રૂ. 3.39 લાખ કરોડ ઘટીને રૂ. 264 લાખ કરોડ થયું હતું.


વાસ્તવમાં માર્કેટમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકામાં વ્યાજદરમાં વધારો થવાની શક્યતા છે. જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, "યુએસમાં ફુગાવો જાન્યુઆરીમાં 7.5 ટકા પર પહોંચી ગયો છે, જે અપેક્ષા કરતાં વધુ છે, યુએસ સેન્ટ્રલ બેંક આ વર્ષે વ્યાજ દરમાં ઓછામાં ઓછા એક ટકાનો દર વધારી શકે છે." ફેડરલ રિઝર્વ માર્ચ સુધીમાં દરમાં 0.5 ટકાનો વધારો કરી શકે છે, જે વૈશ્વિક ઇક્વિટી માર્કેટ માટે સારા સમાચાર નથી.


જો કે ત્રણ દિવસના જોરદાર ઉછાળા બાદ ભારતીય શેરબજારની વૃદ્ધિ પર બ્રેક લગાવવામાં આવી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. પરંતુ તે પછી બજાર વધુ ઘટ્યું અને સેન્સેક્સ 58,000 પોઈન્ટની નીચે સરકી ગયો. હાલમાં સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.


શેરબજારમાં આવેલા જંગી ઘટાડાની અસરથી કોઈપણ ક્ષેત્ર બચી શક્યું નથી. બેન્કિંગ સેક્ટરથી લઈને આઈટી, ઓટો, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્મા સહિત મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પીટાઈ જોવા મળી હતી.


HDFC લિમિટેડ, બજાજ ફિનસર્વ, કોટક બેંક, બજાજ ફાઇનાન્સ, ICICI બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TCS અને અલ્ટ્રાટેક 1-1% થી વધુ તૂટ્યા હતા. આ સિવાય ટાઈટન, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ડૉ. રેડ્ડી, એસબીઆઈ, એરટેલ, એક્સિસ બેંક, એશિયન પેઈન્ટ્સ અને ઈન્ડસઈન્ડ બેંકમાં પણ ઘટાડો નોંધાયો છે.