Investors Wealth Loss: યુએસ સેન્ટ્રલ બેંક ફેડ રિઝર્વના વડા જેરોમ પોવેલ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવાના સંકેતોને કારણે સોમવારે સવારે વિશ્વભરના શેરબજારોમાં મોટો કડાકો બોલી ગયો હતો. જેના કારણે એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, એ જ ક્રમમાં ભારતીય શેરબજાર અને તેના રોકાણકારોને પણ નુકસાન થયું છે. સોમવારે ભારતીય બજારમાં ઉંધે માથે પટકાયા હતા. આ કડાકાને પગલે શેરબજારના રોકાણકારોના અંદાજે 4 લાખ કરોડ રૂપિયા મિનિટોમાં ડૂબી ગયા હતા.


શુક્રવારે ભારતીય શેરબજારો બંધ થયા ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 277 લાખ કરોડની નજીક હતું. પરંતુ સોમવારે સવારે બજારમાં ભારે વેચવાલીને કારણે BSE લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 273 લાખ કરોડની નજીક આવી ગયું હતું. વાસ્તવમાં, ફેડ રિઝર્વના વડા, જેરોમ પોવેલે કહ્યું છે કે મોંઘવારી વધુ ઘેરી થશે તો આગળ પણ આક્રમક રીતે વ્યાજ દરવામાં વધારો કરવામાં આવશે. સંકેત સ્પષ્ટ છે કે અમેરિકામાં વ્યાજ દરો વધુ વધવાના છે. તેમના નિવેદનનો માર શેરબજારને સહન કરવો પડ્યો હતો. આગળ પણ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો થવાની આશંકાએ વિદેશી રોકાણકારો ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલી કરી રહ્યા છે.


ભારતીય બજારો પણ સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 1466 અને નિફ્ટી લગભગ 400 પોઈન્ટના ઘટાડા બાદ ખુલ્યા છે. જોકે, બજાર નીચલા સ્તરેથી બાઉન્સ બેક થયું છે. હાલમાં સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. પરંતુ ભારતીય બજારને ચિંતા છે કે જો અમેરિકામાં વ્યાજદર વધશે તો RBI ભારતમાં વ્યાજદરમાં વધારો કરી શકે છે.


યુએસ ફેડ રિઝર્વના વડાના નિવેદન બાદ ડોલર સામે રૂપિયો ફરી નબળો પડતો જોવા મળી રહ્યો છે. આ માત્ર એટલા માટે છે કારણ કે વિદેશી રોકાણકારો ફરીથી રોકાણ પાછું ખેંચી શકે છે.


 ભારતીય ચલણ રૂપિયો આજે રેકોર્ડ નીચી સપાટીએ આવી ગયો છે અને તેણે ડોલર સામે 80ની નીચી સપાટી તોડી છે. આજે શરૂઆતી કારોબારમાં રૂપિયો ઘટીને રૂ. 80.13 પ્રતિ ડોલર થયો હતો. આ તેનું અત્યાર સુધીનું સૌથી નીચું સ્તર છે.


રૂપિયો કયા સ્તરે ખૂલ્યો?


રૂપિયો આજે 19 પૈસાના ભારે ઘટાડા સાથે ખુલ્યો છે. આજે, વૈશ્વિક ઇક્વિટી સંબંધિત ચિંતાઓ વૈશ્વિક ચલણ તેમજ ભારતીય ચલણને અસર કરી રહી છે.


અન્ય એશિયન કરન્સીમાં પણ ભારે ઘટાડો


અન્ય એશિયાઈ ચલણમાં દક્ષિણ કોરિયાનું ચલણ 1.3 ટકા નીચે છે. થાઈ બાહતમાં 0.8 ટકા નીચા સ્તર જોવા મળી રહ્યા છે. જાપાનીઝ યેન 0.64 ટકા, ચીનનું રેનમિન્બી 0.6 ટકા, તાઇવાન ડોલર પણ 0.6 ટકા નીચે છે. ઈન્ડોનેશિયન રૂપિયામાં 0.43 ટકા અને સિંગાપોર ડોલરમાં 0.34 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ભારતીય ચલણ રૂપિયામાં 0.25 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.