નવી દિલ્હી: IRCTC ના શેરમાં મોટો કડાકો બોલી ગયો છે. બુધવારે શરૂઆતના ટ્રેડમાં શેર 15 ટકા તૂટી ગયો હતો અને ભાવ ઘટીને 4558.55 રૂપિયા પર આવી ગયો હતો. મંગળવારે એક દિવસ અગાઉ, ટ્રેડિંગની શરૂઆતમાં IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) ના સ્ટોકમાં મજબૂત ઉછાળો આવ્યો હતો અને તે 6,396.30 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. તેમજ કંપનીનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડને પાર કરી ગયું હતું. પરંતુ શેરબજારમાં ટ્રેડિંગ બંધ થયા બાદ IRCTC લગભગ 15 ટકા એટલે કે લગભગ 1400 રૂપિયા ઘટીને 4996.05 રૂપિયા થઈ ગયો હતો.


જોકે સારી બાબત એ છે કે ભારે ઘટાડા પછી, સ્ટોક થોડો સુધર્યો અને લગભગ 7 ટકાના ઘટાડા સાથે મંગળવારે 5454.85 પર બંધ થયો હતો. બુધવારે સવારે પણ IRCTC ના શેરમાં મંદીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે.


માર્કેટ કેપ ઘટીને 72,936.80 કરોડ રૂપિયા થઈ ગઈ


બુધવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત પર, IRCTC નો શેર રૂ. 4826.70 પર ખુલ્યો અને જોતાં તે 15 ટકા ઘટીને 4558.55 રૂપિયા પર આવી ગયો. કંપનીનું માર્કેટ કેપ હવે 72,936.80 કરોડ રૂપિયા પર આવી ગયું છે. હાલમાં, IRCTC ના શેર માટે અપર પ્રાઇસ બેન્ડ રૂપિયા 5,899.30 છે અને લોઅર પ્રાઇસ બેન્ડ રૂપિયા 4,558.55 છે.


બે વર્ષમાં 19 ગણું વળતર


વર્ષ 2019 માં જ્યારે IRCTC IPO આવ્યો, ત્યારે ઇશ્યૂની કિંમત 315-320 રૂપિયા પ્રતિ શેર હતી. એક દિવસ પહેલા IRCTC ના શેરનો ભાવ રૂપિયા 6,396.30 પર પહોંચી ગયો હતો. એટલે કે, સ્ટોકે 2 વર્ષમાં લગભગ 19 ગણા વળતર આપ્યું છે. IRCTC નો 638 કરોડ રૂપિયાનો IPO 30 સપ્ટેમ્બર 2019 ના રોજ આવ્યો હતો અને 3 ઓક્ટોબર 2019 ના રોજ બંધ થયો હતો. IPO 112 ગણો ભરાયો હતો.  આ પછી IRCTC એ 14 ઓક્ટોબર 2019 ના રોજ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો અને શેર 644 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો હતો.