નવી દિલ્હી: દિગ્ગજ ઇ-કૉમર્સ કંપની અમેઝનના સંસ્થાપક અને CEO જેફ બેજોસ દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ તરીકે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ફોર્બ્સ દ્વારા દુનિયાના સૌથી ધનાઢ્ય લોકોની 34મી યાદી જાહેર કરી છે. જેના પ્રમાણે, જેફ બેજોસની કુલ સંપત્તિ 113 અરબ ડોલર છે. તેઓ સતત ત્રીજી વખત દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે.


રિલાયંસ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની વાત કરીએ તો, તેઓ આ યાદીમાં 17માં સ્થાન પર છે અને તેઓ ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. તેમની સંપત્તી 44.3 અરબ ડોલર છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં સૌથી વધુ મુલ્યવાન કંપની છે.

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ 98 અરબ ડૉલરની સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે. LVMHના સીઈઓ બર્નાર્ડ અર્નાલ્ડ દુનિયાના સૌથી અમીરોની યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેમની સંપત્તિ 76 અરબ ડોલર છે. ચોથા ક્રમાંકે બર્કશાયર હૈથવેના વોરેન બફે છે. જેમની સંપત્તિ 67.5 અરબ ડોલર છે. જ્યારે ઓરેકલના સંસ્થાપક અને સીટીઓ લેરી એલિસન 59 અરબ ડોલરની સંપત્તિ સાથે પાંચમાં સ્થાને છે.
આ યાદીમાં સુપરમાર્કેટ ચેન ડિમાર્ટના માલિક રાધાકિશન દામાણી 65માં નંબર પર છે. તેમની સંપત્તિ 16.6 અરબ ડોલર છે.