નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ 42મી એજીએમમાં કંપનીની બ્રોબબેન્ડ સેવા જિઓ ગીગા ફાઈબરની જાહેરાત કરી હતી. આ સર્વિસ લોન્ચ થવાને હવે એક સપ્તાહનો સમય બાકી છે. 5 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરતા સમયે કંપનીએ પોતાના કેટલાક ખાસ ગ્રાહકોને મોટી સરપ્રાઈઝ આપી શકે છે. સૂત્રો અનુસાર અહેવાલ મળ્યા છે કે, પ્રીવ્યૂ કસ્ટમર્સને તેની સર્વિસ 2 મહિના સુધી ફ્રીમાં આપી શકે છે. એટલે કે 2 મહિના સુધી તેના માટે કોઈ પેમેન્ટ કરવું નહીં પડે.


તેનો સીધો અર્થ એ છે કે હાલના જિઓ ફાઇબર-ટુ-હોમ સબ્સ્ક્રાઇબર્સે જિઓ ગીગા ફાયબરના કમર્શિયલ લોન્ચ બાદ મળનારી હોમ બ્રોડબેન્ડ સર્વિસ ઉપયોગ કરવા પર કોઈ ચુકવણી કરવાની રહેશે નહીં. એટલુ જ નહીં તેઓ યુઝર કનેક્શન સમયે આપવામાં આવેલી 2500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટને કોઈપણ સમયે રિફંડ કરી શકે છે.

ઉપરાંત 5 સપ્ટેમ્બરના રોજ જિઓ ગીગા ફાઇબરના કોમર્શિયલ લોન્ચિંગ પછી જે સબ્સક્રાઈબ કરાવે છે તે ગ્રાહકો પાસેથી 1,500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ લેવામાં આવશે, જે પરત મળવાપાત્ર છે. જણાવી દઈએ કે કંપની જિઓ ગીગાફાઇબરના ઇન્સ્ટોલેશન ચાર્જ તરીકે 1000 રૂપિયા લેશે.

રિલાયન્સે ગયા વર્ષે 5 જુલાઈએ Jio GigaFiber સેવાની જાહેરાત કરી હતી. તે જ સમયે તેની નોંધણી 15 ઓગષ્ટ 2018થી શરૂ થઈ હતી. 12 ઓગસ્ટ 2019ના રોજ યોજાયેલી તેની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીએ તેના કોમર્શિયલ લોન્ચિંગની જાહેરાત કરી હતી.

જાહેરાત અનુસાર જિઓ ગીગા ફાઇબર યોજના 700 રૂપિયાથી શરૂ થશે જે 10,000 રૂપિયા સુધી જશે. જિઓ ગીગા ફાઇબરના સબ્સ્ક્રાઇબર્સને કનેક્શન્સ સાથેના લેન્ડલાઇનથી દેશભરમાં મફત કોલિંગનો લાભ મળશે.