EV and Battery Plant:  દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની JSW ગ્રુપે ઇલેક્ટ્રિક વાહન (EV) અને EV બેટરી ઉત્પાદનમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો છે. EV સેક્ટરમાં JSW ગ્રૂપની એન્ટ્રી સાથે મોટી હલચલ થવા જઈ રહી છે. આ માટે કંપની લગભગ 40 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે. કંપનીના આ નિર્ણયથી લગભગ 11 હજાર નોકરીઓનું સર્જન થશે. જેએસડબ્લ્યુ ગ્રુપે આ પ્લાન્ટ માટે ઓડિશા સરકાર સાથે એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા છે.


 






EV બેટરી પ્લાન્ટની ક્ષમતા 50 ગીગાવોટ હશે
મળતી માહિતી મુજબ આ પ્લાન્ટ કટક અને પારાદીપમાં લગાવવામાં આવી શકે છે. તેનાથી ગ્રીન એનર્જી સેક્ટરને મોટો ફાયદો થશે. આ પ્રોજેક્ટ હેઠળ 50 ગીગાવોટની ક્ષમતા ધરાવતો ઈલેક્ટ્રીક વાહન બેટરી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ, લિથિયમ રિફાઈનરી, કોપર સ્મેલ્ટર અને પાર્ટસ બનાવવાનો પ્લાન્ટ પણ લગાવવામાં આવશે.


હાઈ સ્કીલ રોજગાર સર્જાશે - નવીન પટનાયક
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે સરકાર ગ્રીન એનર્જી સેક્ટરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. રાજ્યમાં નવી તકો અને શક્યતાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ સાથે રાજ્યમાં EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત થશે. ઉપરાંત, તે યુવાનો માટે રોજગારીની ઘણી તકો પણ ઉભી કરશે. JSW ગ્રુપ સાથેના આ કરારથી રાજ્યમાં હાઈ સ્કીલ નોકરીઓનું સર્જન થશે. રાજ્યના ઔદ્યોગિકીકરણમાં પણ અમને સહયોગ મળશે. આર્થિક પ્રગતિના માર્ગો ખુલશે અને યુવાનોને ઇવી સેક્ટરમાં પણ તાલીમ આપી શકાશે.


તમામ હિતધારકોને ફાયદો થશે - સજ્જન જિંદાલ
JSW ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલે કહ્યું કે આ EV અને બેટરી પ્લાન્ટ ઓડિશા સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત કરશે. આનાથી તમામ શેરહોલ્ડર્સને ફાયદો થશે.આ ઉપરાંત નવા પ્રયોગો, રોજગારી અને આર્થિક પ્રગતિને પ્રોત્સાહન મળશે. અમે EV સેક્ટરમાં પ્રવેશ કરીને ખૂબ જ ખુશ છીએ. નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર પણ ઈવી સેક્ટરને લઈને ખુબ ઉત્સાહીત છે અને તેના માટે અલગ અલગ યોજનાઓ પણ લાવી રહી છે.