Reliance Retail Ventures Limited Update: ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ KKRએ પોતાની કંપની મારફતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિટેલ કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં 2069.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ રોકાણ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં KKRનો હિસ્સો 1.17 ટકાથી વધીને 1.42 ટકા થયો છે. KKR એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડમાં આ હિસ્સો 8.361 લાખ કરોડ રૂપિયાના મૂલ્યમાં ખરીદ્યો છે. આ ડીલ સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ ઈક્વિટી મૂલ્યની દ્રષ્ટિએ દેશની ચોથી સૌથી મોટી કંપની બની ગઈ છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પેરન્ટ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એક્સચેન્જને જણાવ્યું કે KKR એ તેના ફોલો-ઓન રોકાણના ભાગરૂપે રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં વધારાનો 0.25 ટકા હિસ્સો ખરીદવાનો નિર્ણય કર્યો છે. અગાઉ 2020 માં KKR એ રિલાયન્સ રિટેલમાં 5550 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. હવે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ KKRનો હિસ્સો વધીને 1.42 ટકા થઈ ગયો છે. અગાઉ રિલાયન્સ રિટેલ વેન્ચર્સે 2020માં વૈશ્વિક રોકાણકારો પાસેથી 4.21 લાખ કરોડ રૂપિયાના વેલ્યૂએશન પર 47,265 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ વૈશ્વિક રોકાણકારોમાં KKRનો પણ સમાવેશ થતો હતો.
ઓગસ્ટ મહિનામાં જ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટીએ રિલાયન્સ રિટેલમાં 0.99 ટકા હિસ્સો 8278 કરોડ રૂપિયામાં 100 અબજ ડોલરની કિંમતે ખરીદ્યો હતો. 2020 પછી છેલ્લા ત્રણ વર્ષમાં રિલાયન્સ રિટેલનું વેલ્યુએશન લગભગ બમણું થઈ ગયું છે.
આ ડીલ પર રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં રોકાણકાર તરીકે KKR તરફથી અમને જે સતત સમર્થન મળી રહ્યું છે તેનાથી અમે ખૂબ જ ખુશ છીએ. અમે KKR સાથેની ભાગીદારીનો ખૂબ આદર કરીએ છીએ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં તેમનું નવુ રોકાણ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની દ્રષ્ટિ અને ક્ષમતામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે.