Star Health IPO: શેરબજારમાં હાલ આઈપીઓની મોસમ ચાલી રહી છે. અનેક કંપનીઓ તેમના આઈપીઓ લઈને આવી છે. પેટીએમને બાદ કરતાં લગભગ કોઈએ રોકાણકારોને નિરાશ કર્યા નથી. જાણીતી હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ પણ પોતાનો આઈપીઓ લઈને આવી છે. ખુદ રાકેશ ઝુનઝુનવાલાએ પણ આઈપીઓની ભલામણ કરી હોવા છતાં પૂરેપૂરો ભરાયો નથી.


અંતિમ બે દિવસ સમય મર્યાદા પણ વધારી


ઝુનઝુનવાલાએ ભલામણ કરી હોવા છતાં આ શેર 79 ટકા જ ભરાયો હતો. 44.9 મિલિયન શેર ઓફરની સામે 35.6 મિલિયન શેરની બિડ આવી છે. આઈપીઓને મળેલા નબળા પ્રતિસાદને જોતાં સ્ટોક એક્સચેંજોએ અંતિમ બે દિવસમાં બોલી લગાવવાની સમય મર્યાદા બે કલાક વધારીને સાંજે 7 વાગ્યા સુધી કરી દીધી હતી. તેમ છતાં આઈપીઓ પૂરેપૂરો સબ્સક્રાઈબ થયો નહોતો.


રોકાણકારોને શું હતી આશંકા


આશરે 7250 કરોડ રૂપિયાના આ આઈપીઓમાં 4400 કરોડ રૂપિયા ઓફર ફોર સેલમાં સામલેલ હતા. મુંબઈની ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી ફર્મ Wright Research ના ફાઉન્ડર સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું, આઈપીઓ દ્વારા એકત્ર કરવામાં આવેલી 60 ટકા રકમ પ્રમોટરો પાસે જવાની હતી અને તેને કંપનીમાં રોકણ કરવામાં આવનારી નહોતી.. તેથી રોકાણકારોને ફંડિંગના વાસ્તવિક કારણ અને ઉપયોગને લઈ આશંકા હતી.


એનાલિસ્ટોનું શું કહેવું છે


એનાલિસ્ટોના કહેવા મુજબ, રોકાણકારોએ આઈપીઓમાં રસ ન દાખવવાના અનેક કારણો છે. મોંઘું વેલ્યુએશન અને તાજેતરમાં જ એક કંપનીમાં થેયલા નુકસાનનું દ્રષ્ટાત નજર સમક્ષ જ છે. એનાલિસ્ટોનું કહેવું છે કે રોકાણકારો તેની આસપાસ લોન્ચ થયેલા વધારે આકર્ષક આઈપીઓમાં રોકાણ કરવા માટે પણ સ્ટાર હેલ્થ આઈપીઓની અવગણના કરી હતી. પેટીએમના ખરાબ લિસ્ટિંગે રોકાણકારોને સતર્ક કર્યા છે. આ ઉપરાંત ઈન્સ્ટીટ્યૂશન ઈન્વેસ્ટર્સ પહેલાથી જ મોંઘા વેલ્યૂએશનને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. આઈપીઓ અંતર્ગત લિસ્ટ થનારા શેરની કિંમત 870-890 રૂપિયા હતી, જ્યારે ઝૂનઝૂનવાલાએ આ કંપનીમાં આશરે 15 ટકા હિસ્સો ખરીદ્યો ત્યારે તેમણે એક શેર માટે સરેરાશ 156 રૂપિયા ચુકવ્યા હતા.


સ્ટાર હેલ્થ દેશની અગ્રણી અને સૌથી મોટી સ્ટેન્ડઓલ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપની છે. નાણાકીય વર્ષ 2021માં તેની પાસે આશરે 16 ટકા માર્કેટ હિસ્સો હતો.