નવી દિલ્હીઃ પ્રાઇવેટ ક્ષેત્રની એક્સિસ બેન્ક આર્થિક સંકટનો સામનો કરી રહેલી યસ બેન્કમાં 600 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. યસ બેન્કની રિસ્ટ્રકચરિંગ સ્કીમ હેઠળ એક્સિસ બેન્ક યસ બેન્કના 60 કરોડ શેર 600 કરોડ રૂપિયામાં ખરીદશે. તે સિવાય એચડીએફસીએ પણ યસ બેન્કમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. કોટક મહિન્દ્રા બેન્ક પણ યસ બેન્કમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.





કેન્દ્રીય કેબિનેટે યસ બેન્કને ઉગારવા માટે તૈયાર કરવામાં આવેલી આરબીઆઈની રિસ્ટ્રકચરિંગ સ્કીમને મંજૂરી આપી હતી. એસબીઆઇ યસ બેન્કમાં 49 ટકા હિસ્સેદારી ખરીદશે. આ માટે 7250 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. ઉપરાંત આઇસીઆઇસીઆઇ બેન્ક  પણ યસ બેન્કના 100 કરોડ શેર ખરીદશે અને તેમાં 1000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.





બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે સ્કીમનું નોટીફીકેશન જાહેર થયાના ત્રણ દિવસની અંદર યસ બેન્ક પર લાગેલા રોકડ ઉપાડવા સહિતના તમામ પ્રકારના પ્રતિબંધોને હટાવી લેવામાં આવશે. સાથે જ સાત દિવસની અંદર યસ બેન્કનુ નવું બોર્ડ જવાબદારી સંભાળી લેશે. એક્સિસ બેન્કે કહ્યુ કે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટરની શુક્રવારે મળેલી બેઠકમાં યસ બેન્ક લિમિટેડના બે રૂપિયાના પ્રત્યેકના 60 કરોડ શેર આઠ રૂપિયાના પ્રીમિયમ પર 600  કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. યસ બેન્કમાં આ રોકાણ બેન્કિંગ નિયમન  એક્ટ 1949 હેઠળ પ્રસ્તાવિત યોજના યસ બેન્ક લિમિટેડની રિસ્ટ્રકચરિંગ સ્કીમ હેઠળ કરવામાં આવશે.