સેમિકન્ડક્ટર ચીપની વૈશ્વિક અછતને કારણે સપ્લાય ચેઇનની સમસ્યાઓના કારણે ભારતમાં લૉન્ચ થયેલા લેપટોપની સરેરાશ કિંમત ભારતમાં રૂ. 60,000થી વધુ વધી ગઈ છે. પરંતુ મોંઘા ઇલેક્ટ્રોનિક્સે માંગને અસર કરી ન હતી, કારણ કે 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતીય બજારોમાં રેકોર્ડ 5.8 મિલિયન PCનો જથ્થો આવ્યો હતા. પરંતુ હવે ભારતમાં લેપટોપના ભાવ આગામી સમયમાં ઘટશે. વેદાંત-ફોક્સકોન ગુજરાતમાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમ સાથે ભારતના ટેક લેન્ડસ્કેપને બદલવા માટે તૈયાર છે.


લેપટોપના ભાવમાં થશે મોટો ઘટાડો


હાલમાં રૂ. 1 લાખની કિંમતના લેપટોપ રૂ. 40,000 કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આ શક્ય બનશે ગુજરાતમાં બનનારા વેદાંતા-ફોક્સકોન પ્લાન્ટની મદદથી. આ પ્લાન્ટ રૂ. 1.54 લાખ કરોડના ખર્ચે બનશે અને ભારતમાં નિર્મિત સેમિકન્ડક્ટર અને ગ્લાસનું મોટું ઉત્પાદન કરશે. વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે CNBC TV18 સાથેની મુલાકાતમાં આ આગાહી કરી હતી અને ઉમેર્યું હતું કે તાઈવાન અને કોરિયામાં બનતી આ વસ્તુ હવે ભારતમાં બનાવવામાં આવશે. કંપની એક સંયુક્ત સાહસથી સ્થાપી રહી છે જેમાં તાઇવાનના ઇલેક્ટ્રોનિક્સ પાવરહાઉસ ફોક્સકોનનો 38 ટકા હિસ્સો હશે.


ચીન પરની નિર્ભરતા ઘટશેઃ


ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બે વર્ષ પછી સેમિકન્ડક્ટરને ઉત્પાદન કરવાનું શરૂ કરશે અને કંપનીને બિઝનેસમાંથી $3.5 બિલિયન ટર્નઓવરની અપેક્ષા છે, જેમાંથી નિકાસ $1 બિલિયનની રહેશે. ભારત હાલમાં તેના 100% સેમિકન્ડક્ટર્સની આયાત કરે છે અને 2020માં ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા માટે $15 બિલિયનનો ખર્ચ કર્યો હતો, જેમાંથી 37 ટકા સેમિકન્ડક્ટર તો ચીનમાંથી આવ્યા હતા. SBIના એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે જો ભારત ચીનની નિકાસ પરની નિર્ભરતા 20 ટકા ઘટાડે તો પણ તે આપણા જીડીપીમાં $8 બિલિયનનો ઉમેરો કરી શકે છે.


ભારતને આત્મનિર્ભર બનાવશે આ સાહસઃ


ભારતમાં સેમિકન્ડક્ટર્સનું ઉત્પાદન કરવાનું વેદાંતા ગ્રુપનું આ સાહસ પણ રૂ. 76000 કરોડની સરકારી યોજના દ્વારા સમર્થિત છે, જે ખર્ચના 50% સુધી ધિરાણ આપવા માટે બનાવવામાં આવી છે. પોતાની માઈક્રોચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ભારતને ભવિષ્ય માટે આત્મનિર્ભર બનવા માટે સક્ષમ બનાવશે જેમાં ટેકનું પ્રભુત્વ હશે.


આ પણ વાંચો...


Stock Market Closing: શેરબજારમાં તેજીને લાગી બ્રેક, આ કારણે સેેન્સેક્સ 224 પોઈન્ટના ઘટાડા સાથે રહ્યો બંધ, IT શેર્સ ધોવાયા