LIC Investment In Adani Stocks: અદાણી ગ્રુપ અંગે 24 જાન્યુઆરી, 2023ના રોજ જાહેર કરાયેલ હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ અને ગ્રુપની કંપનીમાં LICના રોકાણ અંગે સરકારી વીમા કંપનીની ટીકા છતાં તેની LIC પર કોઈ અસર થઈ નથી. દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની એલઆઈસીએ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ સહિત ચાર કંપનીઓમાં તેનો હિસ્સો વધાર્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેર ખરીદ્યા
જાન્યુઆરીથી માર્ચ ક્વાર્ટર દરમિયાન LIC એ અદાણી એન્ટરપ્રાઇઝિસના 3,57,500 શેર ખરીદ્યા છે. આ ખરીદી સાથે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના અંતે LICનો હિસ્સો 4.23 ટકાથી વધીને 4.26 ટકા થયો છે. સ્ટોક એક્સચેન્જના ડેટામાંથી આ માહિતી બહાર આવી છે.
24 જાન્યુઆરી, 2023 પહેલા ખરીદ્યા કે બાદમાં
આ સમયગાળા દરમિયાન એલઆઈસીએ અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટોટલ ગેસમાં પણ હિસ્સો વધાર્યો છે. જો કે, આ સમયગાળા દરમિયાન LIC એ અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં તેનો હિસ્સો ઘટાડવાનું કામ કર્યું છે. ACCમાં LICના શેરહોલ્ડિંગમાં કોઈ ફેરફાર નથી. જોકે, એ સ્પષ્ટ નથી કે LIC એ 24 જાન્યુઆરીએ હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા પહેલા કે પછી અદાણી જૂથની કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો હતો.
એલઆઈસીનું રોકાણ એક મોટો રાજકીય મુદ્દો બની ગયો
હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી જૂથની કંપનીઓમાં LICનું રોકાણ એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ LIC પર વીમા પોલિસીના રોકાણકારોના પૈસા સાથે રમત કરવાનો આરોપ લગાવ્યો હતો. જાન્યુઆરી 2023માં, LICએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તેણે અદાણી જૂથની કંપનીઓ પાસેથી રૂ. 30,127 કરોડના શેર ખરીદ્યા છે, જે LICના કુલ AUMના 1 ટકા કરતાં પણ ઓછા છે.
મ્યુચ્યુઅલ ફંડોએ રોકાણ ઘટાડ્યું, રિટેલ રોકાણકારો વધ્યા
મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી એન્ટરપ્રાઈઝ સાથેનું તેમનું એક્સપોઝર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.19 ટકાથી ઘટાડીને જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં 0.87 ટકા કર્યું છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની સંખ્યા 31 થી ઘટીને 27 થઈ ગઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન રૂ. 2 લાખથી ઓછું રોકાણ કરનારા રિટેલ રોકાણકારોની સંખ્યામાં ત્રણ ગણો ઉછાળો આવ્યો છે. અને આ સંખ્યા 3 લાખથી વધીને 7.29 લાખ થઈ ગઈ છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં રિટેલ રોકાણકારોનો કંપનીમાં કુલ હિસ્સો 1.86 ટકા હતો જે વધીને 3.41 ટકા થયો છે.