LIC Housing Finance Hikes Home Loan Rate: નવુ વર્ષ શરૂ થવાને આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે હોમ લોન ધારકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હોમ લોન EMI મોંઘી થવા જઈ રહી છે. HDFC બાદ LIC હાઉસિંગ ફાઇનાન્સે પણ હોમ લોન મોંઘી કરી છે. કંપનીએ હોમ લોનના વ્યાજ દરમાં 0.35 ટકાનો વધારો કર્યો છે. જોથી હવે નવા ઘર ખરીદનારાઓ માટે પણ મોંઘા દરે હોમ લોન મળશે અને જેમણે પહેલાથી જ હોમ લોન લીધી છે તેમની EMI પણ મોંઘી થશે.


LIC હાઉસિંગ ફાઇનાન્સનો ન્યૂનતમ હોમ લોન રેટ 8.30 ટકાથી વધીને હવે 8.65 ટકા થયો છે. LICHFએ નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે લોન પરના વ્યાજ દર સંબંધિત LIC હાઉસિંગ પ્રાઇમ લોન રેટ (LHPLR)માં 0.35 ટકાનો વધારો કર્યો છે. કંપનીના MD અને CEO વાય વિશ્વનાથ ગૌડાએ જણાવ્યું હતું કે, બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરમાં વધારો કરવામાં આવ્યો છે.


EMIનો બોજ કેટલો વધશે


25 લાખની હોમ લોન પર


ધારો કે કોઈ વ્યક્તિએ LIC હાઉસિંગ ફાયનાન્સ પાસેથી 20 વર્ષ માટે 8.30%ના વ્યાજ દરે 25 લાખની હોમ લોન લીધી હોય, તો તેણે 21380 રૂપિયાની EMI ચૂકવવી પડશે. પરંતુ હોમ લોનના વ્યાજદરમાં વધારો કર્યા બાદ તેણે 8.65 ટકાના વ્યાજ દરે 21,934 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 554 રૂપિયા વધુ EMI ચૂકવવા પડશે.


40 લાખની હોમ લોન પર


જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, જેના પર તેણે 8.55 ટકાના વ્યાજ દરે 34840 રૂપિયાની EMI ચૂકવવી પડી. પરંતુ હવે વ્યાજ દર 8.90 ટકા થશે તે મુજબ 35,732 રૂપિયાની EMI ચૂકવવી પડશે. એટલે કે દર મહિને 892 રૂપિયા વધુ EMI ચૂકવવા પડશે.


મોંઘા રેપો રેટની અસર


8 ડિસેમ્બરે આરબીઆઈએ રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. જે બાદ બેંકોથી લઈને હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ વ્યાજદરમાં વધારો કરી રહી છે. 2022માં આરબીઆઈએ પાંચ તબક્કામાં રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો છે.