નવી દિલ્હીઃ દેશમાં કોરના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સરકારે લોકડાઉન 4.0માં ઢીલ આપીને અર્થતંત્રની ગાડી પાટા પર લાવવાની કવાયત શરૂ કરી છે. આ દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ લોકડાઉનને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, લોકડાઉન વધારવું અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થઈ શકે છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યુ, લોકડાઉનને આગળ વધારવું ન માત્ર અર્થતંત્ર માટે ઘાતક હશે, પણ જેમ મેં પહેલા પણ ટ્વિટ કરીને કહ્યું છે તે મુજબ એક અન્ય સ્વાસ્થ્ય સંક્ટને પેદા કરનારું પણ હશે.

એક આર્ટિકલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું, લોકડાઉનના ખતરનાક મનોવૈજ્ઞાનિક પ્રભાવ અને બિન કોવિડ-19 દર્દીની અવગણના એક મોટું જોખમ છે. આનંદ મહિન્દ્રાએ લોકડાઉન 3.0 બાદ જ તેને ખતમ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો.


ચાલુ મહિનાની શરૂઆતમાં મહિન્દ્રા ગ્રુપના ચેરમેને કહ્યું કે, જો લોકડાઉનને લાંબા સમય સુધી વધારવામાં આવશે તો દેશ આર્થિક સંકટમાંથી પસાર થશે. તેમમે કહ્યું, લોકડાઉન લાખો લોકોને બચાવવામાં સક્ષમ રહ્યું છે પરંતુ જો તેને વધારવામાં આવશે તો તેનાથી સમાજના નબળા વર્ગને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.


તેમણે એમ પણ કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા સતત વધતી રહેશે અને આપણું પૂરું ધ્યાન ઝડપથી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવા અને ઓક્સિજનની વ્યવસ્થા કરવા પર હોવી જોઈએ. મહિન્દ્રાએ આ કામમાં સેનાની મદદ લેવાની પણ ભલામણ કરી હતી.