ABG Bank Fraud: CBIએ દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડ (રૂ. 22842 કરોડ)ના 5 આરોપીઓ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે. એટલે કે આ આરોપીઓ હવે દેશ છોડી શકશે નહીં. સીબીઆઈએ સત્તાવાર રીતે કહ્યું છે કે આ કૌભાંડ વર્ષ 2005 થી 2012નું છે.
દેશના સૌથી મોટા બેંકિંગ કૌભાંડમાં આજે CBIએ ઘણા મુદ્દાઓ પર પોતાનો સત્તાવાર પક્ષ રજૂ કર્યો. સીબીઆઈએ સત્તાવાર રીતે કહ્યું કે સીબીઆઈને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે એબીજી ગ્રુપ દ્વારા કરવામાં આવેલ આ સૌથી મોટું કૌભાંડ વર્ષ 2005 થી વર્ષ 2012 વચ્ચેનું છે. વર્ષ 2012 થી 2017 સુધીની એફઆઈઆરમાં અપરાધના મુદ્દા પર, સીબીઆઈએ સત્તાવાર રીતે કહ્યું કે આ કૌભાંડમાં બેંકો દ્વારા કરવામાં આવેલા ફોરેન્સિક ઓડિટનો સમયગાળો છે. બેંકોમાં કૌભાંડો માટે ફોરેન્સિક ઓડિટ માટે જે સમય લાગે છે તે ઓડિટ માટે 3 થી 5 વર્ષ છે અને આ સમયગાળો એટલો જ છે, જે 2012 થી 2017 સુધીની FIRમાં દર્શાવવામાં આવ્યો છે.
અગાઉ 12000 કરોડના કૌભાંડના આરોપી નીરવ મોદી અને તેના કાકા ચોક્સી દેશ છોડીને ભાગી ગયા હતા. સીબીઆઈનું એમ પણ કહેવું છે કે કેસ નોંધાયા બાદ જ્યારે 13 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ તમામ આરોપીઓ દેશની અંદર મળી આવ્યા હતા. સીબીઆઈએ એ પણ જણાવ્યું કે આ કેસમાં વર્ષ 2019માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ આ કેસના મુખ્ય આરોપી વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો.
સુરતમાં દેશના ઈતિહાસની સૌથી મોટી બેન્ક છેતરપિંડી સામે આવી છે. 28 બેંકોને ચુનો લગાવી રૂ. 22,842 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે, તે નીરવ મોદીના રૂ. 14 હજાર કરોડ અને વિજય માલ્યાના રૂ. 9 હજાર કરોડથી પણ અનેકગણુ વધુ છે. આ કેસમાં સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ, તેના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિત આઠ લોકો સામે કેસ દાખલ કર્યો છે. સીબીઆઈએ 7 ફેબ્રુઆરીએ નિવારે કંપની અને તેના ડિરેક્ટરોના સુરત, ભરૂચ, મુંબઈ, પૂણે સહિત 13 પરિસરમાં દરોડા પાડ્યા અને મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કર્યા.
સૂત્રો અનુસાર, અગ્રવાલ સિવાય કંપનીના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ, રવિ વિમલ નેવેતિયા અને અન્ય એક કંપની એજીબી ઈન્ટરનેશનલ વિરુદ્ધ પણ ગુનાઈત કાવતરું, છેતરપિંડી, ગુનાઈત વિશ્વાસઘાતના કેસ દાખલ કરવામાં આવ્યા છે.
નવેમ્બર 2019માં 28 બેન્ક દ્વારા CBIને ફરિયાદ કરાઈ હતી. દોઢ વર્ષ સુધી ચાલેલા કંપનીના ફોરેન્સિક ઑડિટમાં કૌભાંડનો ઘટસ્ફોટ થયો હતો. ગત 7 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી. અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા કંપનીનું ફોરેન્સિક ઑડિટ કરાયુ હતું. પ્રમોટરોએ સાંઠગાંઠ કરીને લોનની રકમ સગેવગે કરી હતી.
આ અંગેની વધુ વિગતો એવી છે કે, સુરતના મગદલ્લામાં 1985માં શરૂ થયેલી એબીજી શિપયાર્ડ જહાજ બનાવવાનું અને મેઇન્ટેનન્સનું કામ કરતી હતી. 1991 સુધી સારો નફો કર્યો. જોકે, 2016માં કંપનીને 55.7 કરોડ ડોલરની ખોટ ખાધી. કંપનીનો ખર્ચ વધુ હોવાથી અને બિઝનેસ ઘટવાથી ખોટ વધતી ગઇ.