નવી દિલ્હીઃ એપ્રિલના પહેલા જ દિવસે ગ્રાહકોને મોંઘવારીનો મોટો ફટકો પડ્યો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં 19 કિલોનો LPG સિલિન્ડર હવે 2253 રૂપિયાનો થઈ ગયો છે. જોકે ઘરેલુ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 10 દિવસ પહેલા તેમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. કોમર્શિયલ સિલિન્ડરની કિંમતને કારણે હવે બહારનું ખાવાનું મોંઘું થઈ શકે છે.


દિલ્હીમાં 1 માર્ચના રોજ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો 2012 રૂપિયા હતો જે 22 માર્ચે કિંમત ઘટીને 2003 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ આજે ફરી તેમાં વધારો કરવામાં આવ્યો છે. તેને દિલ્હીમાં રિફિલ કરાવવા માટે 2253 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે મુંબઈમાં હવે તે 1955 રૂપિયાને બદલે 2205 રૂપિયામાં મળશે. કોલકાતામાં તેની કિંમત 2,087 રૂપિયાથી વધીને 2351 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નાઈમાં હવે તેની કિંમત 2,138 રૂપિયાને બદલે 2,406 રૂપિયા થશે. છેલ્લા બે મહિનામાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 346 રૂપિયાનો વધારો થયો છે. 1 માર્ચે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે 22 માર્ચે તે 9 રૂપિયા સસ્તો થયો હતો.




સીએનજી-પીએનજીની કિંમતમાં વધારો


ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં વધારો થયા બાદ આજે અદાણી ગેસે સીએનજી અને પીએનજીના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પીએનજીના ભાવમાં અંદાજે પ્રતિ એમએમબીટીયુ 120 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.


આજે સીએનજીના ભાવમાં વધારો કર્યા બાદ ગુજરાતમાં સીએનજીનો નવો ભાવ 79.59 રૂપિયાએ પહોંચી ગયો છે. આ પહેલા જૂનો ભાવ પ્રતિ કિલો 74. 59 રૂપિયા હતો. આ પહેલા છેલ્લે 24 એપ્રિલ એટલે કે એક સપ્તાહ પહેલા પ્રતિ કિલો સીએજીના ભાવમાં 1.5 રૂપિયાનો વધારો થયો હતો.