નવી દિલ્હી: સામાન્ય જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરવાના કેંદ્ર સરકારે સંકેત આપ્યા છે. કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગુરૂવારે સંકેત આપ્યા હતા કે, આવતા મહિનાઓમાં ઘરેલું એલપીજી ગેસના ભાવ ઘટી શકે છે.


કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ, આ વાત સત્ય નથી કે દેશમાં રાંધણ ગેસની કિંમતોમાં સતત વધારો થશે. તેમણે કહ્યુ, ફેબ્રુઆરી મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં તેજીને કારણે સ્થાનિક સ્તર પર એલપીજીની કિંમતોમાં વધારો કરવો પડ્યો છે. હવે એવાં સંકેતો મળી રહ્યા છે. કે, આગામી મહિનામાં એલપીજીની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. આ પહેલાં સરકારે પણ એક નિવેદન આપીને જણાવ્યુ હતુકે,આંતરરાષ્ટ્રીય બજારમાં જાન્યુઆરી 2020માં એલપીજીની કિંમત 448 ડોલર મેટ્રિક ટનથી વધીને 567 ડોલર મેટ્રિક ટન હોવાને કારણે કિંમતમાં વધારો કરવા માટે મજબૂર થવું પડ્યુ હતું.

સરકારી ગેસ માર્કેટિંગ કંપનીઓએ 12 ફેબ્રુઆરીએ એલપીજી ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ 144.50 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી રાજધાની દિલ્હીમાં એલપીજીની કિંમત વધીને સિલિન્ડર દીઠ 858.50 રૂપિયા થઈ ગઈ છે. ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની 1 લી તારીખે ગેસના ભાવમાં ફેરફારની જાહેરાત કરે છે.

કેંદ્ર સરકારે 13 ફેબ્રુઆરીએ રજૂ કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે એલપીજીની કિંમતોમાં વધારો થતાં તેણે ગ્રાહકોને આપવામાં આવતી સબસિડી બમણી કરી છે. સરકારના નિવેદનમાં જણાવ્યા અનુસાર હવે ઘરેલું એલપીજી પર સબસિડી સિલિન્ડર દીઠ 153.86 રૂપિયાથી વધારીને 291.48 રૂપિયા કરી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને સિલિન્ડર દીઠ રૂપિયા 174.86 થી વધારીને 312.48 કરવામાં આવી છે.