મહારાષ્ટ્રઃ કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉનથી દેશભરના તમામ વેપાર ધંધાને માઠી અસર થઈ છે. તેમાં પણ રિયલ એસ્ટેટ ઉદ્યોગ પડી ભાંગ્યો છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો દ્વારા આ અંગે સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે બુધવારે મંત્રીમંડળની બેઠકમાં સ્ટેમ્પ ડ્યૂટીમાં ધરખમ ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો, જેને લઈને બિલ્ડરોમાં ઉત્સાહનું વાતાવરણ ફેલાયું છે.

મહારાષ્ટ્ર સરકારે એક નિવેદનેમાં કહ્યું, નવા દર પ્રમાણે 1લી સપ્ટેમ્બર, 2020થી 31 ડિસેમ્બર, 2020 સુધી સ્ટેમ્પ ડ્યૂટી 5 ટકા પરથી 3 ટકા કરવામાં આવી છે, જ્યારે 1 જાન્યુઆરી, 2021થી 31 માર્ચ, 2021 સુધી તે 2 ટકા કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને લીધે પહેલી વાર નવું ઘર ખરીદનારા, ફ્લેટ વેચવા માગનારા અને રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માગનારને પ્રોત્સાહન મળશે. ખાસ કરીને કોવિડ-19ને લીધે માગણી ઘટી છે અને રોકડ પ્રવાહ પણ મર્યાદિત બન્યો હોવાથી આ નિર્ણયથી માગણીમાં વધારો થવાની અપેક્ષા છે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટના કહેવા મુજબ આ ઘટાડાથી રૂ. 1 કરોડ સામે 31 ડિસેમ્બર સુધી રૂ. 2 લાખ અને ત્યાર પછી 31 માર્ચ, 2021 સુધી રૂ. 3 લાખ સ્ટેમ્પ ડ્યૂટી બચી જશે. જોકે સ્ટેમ્પ ડ્યૂટી જેની પર આકારવામાં આવે છે તે વિસ્તારો અનુસાર જગ્યાના ભાવ નક્કી કરતા રેડી રેકનરના ભાવમાં ઘટાડો કરાય તો સાગમટે બધાને લાભ થઈ શકે છે.